રાજકોટ-

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા હાથ લાગી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરેલીના નાના લીલીયા ગામના કુખ્યાત આરોપી ચંપૂ ઉર્ફે બાબાભાઈ રામભાઈ વિછીયાની ધરપકડ કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી એક રિવોલ્વર, એક પિસ્ટલ તેમજ છ જીવતા કારતૂસ કબજે કર્યા છે.

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ડી.વી.બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટ- ભાવનગર હાઇવે પર આવેલા રંગુન માતાના મંદિર પાસેથી અમરેલીના નાના લીલીયા ગામનો વતની એવો ચંપુ ઉર્ફે બાબાભાઈ રામભાઈ વિછિયા પસાર થવાનો છે. જે અંતર્ગત પહેલેથી જ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચમાં હતી. તે સમયે આરોપી ત્યાંથી પસાર થતા તેની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીના ગુનાહિત ઇતિહાસ પર નજર કરવામાં આવે તો આરોપી ભૂતકાળમાં હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી ચૂક્યો છે. તે પેરોલ જંપ કરી ફરાર હતો. તે દરમિયાન તેના વિરૂદ્ધ હત્યાની કોશિશની પણ ફરિયાદ નોંધાવવા પામી છે. તાજેતરમાં અમરેલી પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ ગુજસીટોક હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.અમરેલીના કુખ્યાત આરોપીને ગેરકાયદે હથિયાર સાથે ઝડપી પાડયો