નવી દિલ્હી

માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. પરંતુ, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બિલ ગેટ્સે કદાચ સપનામાં પણ નહીં વિચાર્યુ હોય કે તેણે જે કંપની શરૂ કરી છે તે તેની વિરુદ્ધ તપાસ કરશે. અમેરિકી અખબાર વોલ સ્ટ્રીટ જનરલના એક અહેવાલ મુજબ, માઇક્રોસોફ્ટ કોર્પના બોર્ડ સભ્યોએ વર્ષ 2020 માં નિર્ણય લીધો હતો કે બોસ ગેટ્સ સામે તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

જો વોલ સ્ટ્રીટ જનરલના અહેવાલ પર વિશ્વાસ કરવો હોય તો બોર્ડના સભ્યોએ નિર્ણય કર્યો હતો કે ગેટ્સનું બોર્ડ પર રહેવું યોગ્ય નથી. આ એટલા માટે કારણ કે તે સમયે તે માઇક્રોસોફ્ટના કર્મચારી સાથેના પ્રેમ સંબંધો માટે તપાસ હેઠળ હતા. આ સંબંધોને અયોગ્ય માનવામાં આવતું હતું અને તેથી ગેટ્સને બોર્ડ પર નહીં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.

અખબારે અનેક સ્રોતોને ટાંકીને જણાવ્યું છે કે વર્ષ 2019માં એક કાયદા પેઢીને પણ આ મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. 2019 ના અંતે તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યારે માઇક્રોસોફટ એન્જિનિયરે પત્ર લખીને જણાવ્યું હતું કે તેમની અને ગેટ્સ વચ્ચે ઘણાં વર્ષોથી જાતીય સંબંધ હતા.


અખબારના જણાવ્યા અનુસાર ગેટ્સે બોર્ડની તપાસ પૂર્ણ થતાં પહેલાં જ રાજીનામું સુપરત કરી દીધું હતું.એક પ્રવક્તાએ જણાવ્યું છે કે ગેટ્સનો આ પ્રેમ લગભગ 20 વર્ષ જૂનો હતો અને બંનેએ તેને પરસ્પર સંમતિથી સમાપ્ત કર્યું હતું.

પ્રવક્તાએ એવો દાવો પણ કર્યો છે કે ગેટ્સના બોર્ડ છોડવાના નિર્ણયનો કેસની તપાસ સાથે કોઈ સંબંધ નથી. જ્યારે ગેટ્સે ગયા વર્ષે બોર્ડને અલવિદા કહ્યુ હતુ. ત્યારે તેમણે નિવેદન આપ્યું હતું કે હવે તેઓ સેવાકીય કાર્યોમાં ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે અને તેથી તેમનું પદ છોડે છે.

રવિવારે ન્યૂઝ એજન્સી એપીને મોકલેલા એક ઈ-મેલમાં માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે, વર્ષ 2019 માં બિલ ગેટ્સનો કંપનીના કર્મચારી સાથે ગાઢ સંબંધ હોવાના એક પત્ર અંગે બોર્ડ દ્વારા ચિંતા કરવામાં આવી હતી. બોર્ડની કમિટી વતી આ અંગે ચિંતા કરવામાં આવી હતી. આખી તપાસ પ્રક્રિયા દરમિયાન કંપનીએ કર્મચારીને પૂરો ટેકો આપ્યો હતો જેણે આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી.

તાજેતરમાં જ ગેટ્સ અને તેની પત્ની મેલિંડાએ તેમના 27 વર્ષ જુના લગ્નને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. બંનેએ કહ્યું છે કે તેઓ બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન માટે સાથે કામ કરવાનું ચાલુ રાખશે, પરંતુ હવે આ લગ્નજીવનમાં કંઈ બાકી નથી જેના કારણે તેને આગળ વધવુ જોઈએ.

ગેટ્સની સંપત્તિમાં 100 અબજ ડોલર છે અને તે વિશ્વના નંબર વન શ્રીમંત રહ્યા છે. વોલ સ્ટ્રીટ જનરલ સિવાયના ટાઇમ્સ અને ન્યુ યોર્ક ટાઇમ્સે પણ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે કામ કરવાની જગ્યા અને કામ સંબંધિત મુદ્દાઓમાં ગેટ્સની છબી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.