વડોદરા, તા. ૧૯

શહેરમાં આવતીકાલે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૪૨મી રથયાત્રાનું સંવેદનશીલ સહિતના તમામ વિસ્તારોમાંથી નિર્વિઘ્ને પસાર થઈ શાંતિપુર્વક માહોલમાં સમાપન થાય તે માટે ઈસ્કોન મંદિરના પ્રસાશન અને વહીવટી તંત્ર સાથે શહેર પોલીસ તંત્ર એકશનમાં આવ્યું છે. તાજેતરમાં રામનવમીએ સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળેલી શોભાયાત્રા પર કટ્ટરવાદીઓ દ્વારા પથ્થરમારો કરી કાંકરીચાળો કરાયો હતો જેને પગલે જે તે વખતે ઉંઘતી ઝડપાયેલી પોલીસ આ વખતે રથયાત્રામાં ફરી આવો કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે અત્યારથી સતર્ક બની છે. આજે શહેર પોલીસ કમિ. કમિ.સહિતના ઉચ્ચાધિકારીઓ અને પોલીસ કાફલાએ રથયાત્રાના સમગ્ર રૂટ પર ફુટ પેટ્રોલીંગ અને રિહર્સલ હાથ ધર્યું હતું.

આવતીકાલે બપોરે શહેરના રેલવે સ્ટેશનથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થશે અને રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને મોડી સાંજે કેવડાબાગ ખાતે પહોંચતા રથયાત્રાનું સમાપન થશે. રથયાત્રા માટે ઈસ્કોન મંદિરના પ્રશાસન તેમજ કોર્પોરેશન અને જીઈબી દ્વારા તમામ તૈયારીઓ પુરી કરી દેવાતા શહેરીજનો વિશાળ રથમાં શહેરની પરિક્રમાએ નીકળનારા ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની એક ઝલક પામવા આતુર બન્યા છે. શહેરમાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર પથ્થરમારો થયા બાદ હાલમાં જુનાગઢમાં ધાર્મિક સ્થાન દુર કરવાના મુદ્દે પણ ઉશ્કેરાટ છે આ બનાવના આવતીકાલે રથયાત્રામાં કોઈ પડઘા ના પડે તે માટે શહેર પોલીસ તંત્ર એકશનમાં આવ્યું છે. રથયાત્રા શહેરના રાવપુરા મચ્છીપીઠ, ન્યાયમંદિર, દુધવાળા મોહલ્લા અને પથ્થરગેટ સહિતના સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થતી હોઈ આ વિસ્તારમાં કોઈ કાંકરીચાળો ના થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ તકેદારી લેવાઈ છે.

રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા માટે આજે શહેર પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાના પ્રારંભથી અંત સુધીના રૂટ પર ફુટ પેટ્રોલીંગ હાથ ધરાયું હતું. આજે બપોરે ખુદ પોલીસ કમિશ્નર ડો.શમશેર સિંઘ રાવપુરાથી પોલીસ ઉચ્ચાધિકારીઓ સાથે ફુટ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા અને તેમણે રાવપુરા મચ્છીપીઠ ઉપરાંત દુધવાળા મોહલ્લાની ઠેક આંતરિક ગલીઓમાં જાતે ચાલતા જઈ સ્થળ સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને તેમની સાથે હાજર અન્ય ઉચ્ચાધિકારીઓને જરૂરી સુચના આપી હતી. આ ઉપરાંત આવતીકાલે રથયાત્રાના બંદોબસ્તમાં તૈનાત કરાયેલા પોલીસ કાફલાએ પણ સમગ્ર રૂટ પર ફુટ પેટ્રોલીંગ અને બંદોબસ્તનું રિહર્સલ હાથ ધર્યું હતું.

પોલીસ કમિ.ના ફિટનેસ સામે કર્મચારીઓ હાંફી ગયા

પોલીસ કમિ. ડો.શમશેર સિંઘે રાવપુરા પોલીસ મથકથી ફુટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું, જેમાં તેમની સાથે ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ અને પોલીસ જવાનો પણ જાેડાયા હતા. પોલીસ કમિ.સમગ્ર માર્ગ પર સતત ઝડપથી ચાલતા ચાલતા રથયાત્રાના રૂટના બદલે કલામંદિરની સામે બેરીકેટ હટાવીને પદમાવતી શોપિંગ સેન્ટરની પાછળ અચાનક ઘસી ગયા હતા. પોલીસ કમિ. સતત ઝડપથી ચાલતા હોઈ અધિકારીઓ અને પોલીસ જવાનોને તેમની સાથે રહેવા માટે દોડવું પડ્યું હતું અને કેટલાક જવાનો તો પરસેવે રેબઝેબ થયા હતા.

સંવેદનશીલ વિસ્તારમાં ડીપ પોઈન્ટ- ધાબાઓ પર પોલીસ ગોઠવાઈ ગઈ

રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા માટે ૪ ઘોડેસવાર ઉપરાંત બોંબ ડીસ્પોઝલ સ્કોવોર્ડ, વર્જ મોબાઈલની ૩ વાન અને ૩ ક્વીક રિસપોન્સ ટીમ પણ રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થામાં જાેડાશે. સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થતી રથયાત્રામાં આંતરિક વિસ્તારોમાંથી કોઈ કાંકરીચાળો ના થાય તે માટે ગલીઓમાં ડીપ પોઈન્ટ સાથે ઉંચી ઈમારતો પર ધાબા પોઈન્ટ પર આજથી જ પોલીસ જવાનોને દુરબીન અને કેમેરા સાથે તૈનાત કરી દેવાયા છે. શહેરના સંવેદનશીલ વિસ્તારના નાકાઓ પર બેરીકેટ ગોઠવી ગલીઓમાં રસ્તા પર અવરજવર પણ બંધ કરાઈ હતી.

૭ ડીસીપી સહિત ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો તહેનાત રહેશે

રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ શહેર પોલીસ તંત્રએ વિશેષ બંદોબસ્તનું આયોજન કરાયું છે જેમાં આવતીકાલે રથયાત્રામાં પોલીસ કમિ. અને અધિક પો.કમિ.ના માર્ગદર્શન હેઠળ ૭ ડેપ્યુટી કમિ. સાથે ૧૫ ડીવાયએસપી, ૫૪ પીઆઈ, ૧૧૯ પીએસઆઈ, તેમજ અલગ અલગ પોલીસ મથકના ૧૧૯૫ પોલીસ જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત રથયાત્રામાં હોમગાર્ડના ૫૦૦ જવાનો અને એસઆરપીની ૩ કંપની સાથે સ્થાનિક ડીસીબી, પીસીબી, એસઓજીની ટીમો તથા મહિલા શી-ટીમની સ્કોડ તૈનાત કરાઈ છે.

૩૫ હજાર કિલો શીરાનો પ્રસાદ અર્પણ કરાશે

ભગવાન જગ્ન્નાથજી નગરચર્યા પર નીકળશે ત્યારે રથયાત્રામાં જાેડાયેલા તમામ ભક્તોને પ્રસાદ રુપે ચોખ્ખા ધી અને સૂકામેવાથી ભરપૂર શીરાનો પ્રસાદ સાથે જાબું , કેળા અને તુલસીના રોપા આપવામાં આવશે. ૩૫ હજાર કિલોગ્રામ શીરો બનાવવાની કામગીરી આજથી જ શરુ કરી દેવામાં આવી છે. સવારે ભગવાનને શીરો ધરાયા બાદ પ્રસાદ સ્વરુપે તેનું વિતરણ કરવામાં આવશે.

અષાઢી બીજ કચ્છીઓનું નવંુ વર્ષ

અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ. કચ્છીઓ દ્વારા વરસાદ સારો આવે તેમજ બારેમાસ પાણી રહે તેવી પ્રાર્થના સાથે નવા વર્ષની શરુઆત કરવામાં આવે છે. ચાતુર્માસની પણ આજે શરુઆત થાય છે. વાવણીના મૂહુર્ત નીકળતાં હોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જાેવા મળે છે.

રથયાત્રા પાછળ પાલિકાની ડોર ટુ ડોર કલેક્શનની ગાડી પણ ફરશે

રથયાત્રામાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે. રથયાત્રામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને શીરા ઉપરાંત કેળા પ્રસાદમાં આપવામાં આવે છે. પ્રસાદ લીધા બાદ કેટલાક શ્રદ્ધાળુઓ છાલ રોડ પર ફેંકી દે છે. ત્યારે કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ ઉપર રથયાત્રાની પાછળ કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી રાખશે, અને કેળાની છાલ સહિત જે કોઈ ઓર્ગેનિક કચરો હશે તે એકત્રિત કરીને તેનો નિકાલ ઓર્ગેનિક કમ્પોસ્ટ મશીનમાં કરશે.

રથયાત્રાનું ગાંધીનગરથી મોનિટરિંગ

સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ તંત્રને ગાંધીનગરથી બે વિશેષ પ્રકારના ડ્રોન કેમેરા ફાળવવામાં આવ્યા છે. આ ડ્રોન કેમેરાના માધ્યમથી ઉંચાઈથી સમગ્ર વિસ્તાર પર બાજ નજર રખાશે, પરંતું તે ગાંધીનગર ખાતે પણ કનેકટેડ હોઈ ગાંધીનગર કન્ટ્રોલ રૂમમાં પણ આ ડ્રોન કેમેરા મારફત રથયાત્રાનું મોનિટરીંગ થઈ શકશે. ઉલ્લેખનીય છે કે ખુદ શહેર પોલીસ કમિ.એ આજે ડ્રોન ઉડાવીને તેની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાની પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો.

ટ્રાફિક બંદોબસ્ત

રથયાત્રાના રૂટ પર ટ્રાફિક વ્યવહાર બંધ કરી વાહનોને વિવિધ જગ્યાએ ડાયવર્ઝન આપેલા હોઈ ટ્રાફિક શાખાના ૩૫૦ પોલીસ જવાનો સાથે ટીઆરબીના ૩૦૦ જવાનો ટ્રાફિક બંદોબસ્ત સંભાળશે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે ૩ પીઆઈ, ૧ પીએસઆઈ, ૨૫ પોલીસ જવાનો અને એસઆરપીની

એક પ્લાટુન બંદોબસ્ત માટે રિઝર્વ રાખવામાં આવી છે.