સુરત-

સામાન્ય રીતે બાળક જન્મે ત્યારે તેની તંદુરસ્તી બાબતે માતા-પિતા ખૂબ જ સજાગ હોય છે અને મોટાભાગના કેસોમાં બાળક પૂરતા વજન સાથે જન્મે તો તેની તંદુરસ્તી સારી હોય છે. પરંતુ ક્યારેક બાળક અધુરા માસે જન્મે ત્યારે અવિકસીત હોય છે અને તેનું વજન ઓછું હોવાથી તેની તંદુરસ્તી જોખમાઈ શકે છે. ક્યારેક આ પ્રકારે અધુરા માસે જન્મેલા બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે.

સુરતમાં અધુરા માસે જન્મેલા એક આવા જ બાળકની સારવાર કરવામાં આવી રહી છે. વરાછા વિસ્તારમાં આવેલી આ હોસ્પિટલમાં જન્મેલા બાળકને બચાવવા માટે તબીબો ખૂબ મહેનત કરી રહ્યા છે. બન્યું એવું કે આ બાળક પોણા છ માસે જન્મી ગયું હોવાથી ઘણું અવિકસીત હતું. 

નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, આ બાળકનો જ્યારે જન્મ થયો ત્યારે તે માત્ર 700 ગ્રામ જ વજન ધરાવતું હતું અને માણસની હથેળીમાં આસાનીથી સમાઈ જાય એટલું જ કદ ધરાવતું હતું. જો કે, તબીબોએ કુદરતના આ પડકારને પણ પહોંચી વળવા મહેનત શરૂ કરી હતી અને કાળજી રાખીને તેને સારવાર આપી હતી. સતત ત્રણ માસ સુધી બાળકને પોષણ આપવાની સાથે તેની સારવાર કરતાં તેનું વજન 1 કિલો 800 ગ્રામ થયું હતું અને તેને પગલે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ બાળકના માતાપિતા પણ બાળકની સારવાર થયાથી અને તેનું જીવન બચી ગયાથી ખુશખુશાલ જણાતા હતા અને તેમણે ડોક્ટરને ભગવાનનો અવતાર ગણાવીને તેમનો આભાર માન્યો હતો.