18, સપ્ટેમ્બર 2020
આણંદ : કોવિડ -૧૯ની વૈશ્વિક મહામારીના સમયે રાજ્યની ઘણી યુનિવર્સિટીઓ હજુ પણ પરીક્ષાઓ યોજવા અને પરિણામ જાહેર કરવા માટે સંઘર્ષ કરી રહી છે, ત્યારે વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં ૨૫૦થી વધારે પરીક્ષાઓ લીધી અને ૨૪૦ પરીક્ષાઓના પરિણામ પણ જાહેર કરી દીધાં છે.
સરદાર પટેલ યુનિવર્સિટી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી છે જેણે જૂન-અંતમાં ઓફ્લાઇન પરીક્ષાઓ (પેન અને પેપર પરીક્ષા) શરૂ કરી હતી. સરકારના નિર્દેશોના આધારે યુનિવર્સિટીએ તેનાં પરીક્ષાનું સમયપત્રક તે સમયે સ્થગિત કર્યું હતું, પરંતુ બાકીની પરીક્ષાઓ જુલાઈ મહિનાથી યોજાઇ હતી.
જુલાઇમાં ૪૫ પરીક્ષાઓ, ઓગસ્ટમાં ૨૫ અને સપ્ટેમ્બરમાં ૩૧ પરીક્ષાઓ સાથે આશરે ૪૦,૦૦૦ વિદ્યાર્થીઓની ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષાઓ સફળતાપૂર્વક યોજવામાં આવી હતી. સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં યુનિવર્સિટીએ ચાલુ શૈક્ષણિક વર્ષની આંતરિક પરીક્ષાઓ પણ લેવાનું નક્કી કર્યુ છે.
ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા જેવી કેટલીક રાજ્ય યુનિવર્સિટીઓ, પરીક્ષાના ઓફલાઇન મોડને સખત રીતે અનુસરી રહી છે, જ્યારે અન્ય રાજ્ય યુનિવર્સિટીઓ, જેમ કે એમ.એસ. યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માત્ર ઓનલાઇન પરીક્ષાઓ અનુસરી રહી છે.
રસપ્રદ વાત એ છે કે ઓનલાઇન પરીક્ષાઓ માટે પણ સરદાર પટેલ યુનિવર્સિટીએ વિવિધ વિકલ્પોની શોધ કરી. શરૂઆતમાં, તેણે રાજકોટ સ્થિત એક કંપનીના સોફ્ટવેરનો ઉપયોગ કરીને એમએસસી (રસાયણશાસ્ત્ર), એમકોમ અને એમએસડબ્લ્યુ એમ ત્રણ મુખ્ય પ્રવાહોની ઓનલાઇન પરીક્ષાઓ લીધી હતી. બાદમાં યુનિવર્સિટીના કમ્પ્યુટર વિભાગ દ્વારા તૈયાર કરાયેલ સોફ્ટવેરનો ઉપયોગ એમસીએ, એમબીએ અને એમએસસી આઇટીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પરીક્ષા લેવા માટે કરવામાં આવ્યો હતો. આંકડાશાસ્ત્ર, ગણિત, ભૌતિકશાસ્ત્ર જેવા વિભાગોએ ગૂગલ પ્લેટફોર્મ પર ઓનલાઇન પરીક્ષા લીધી હતી.
સરકારના નિર્દેશનનું ચૂસ્તપણે પાલન કરી દરેક પરીક્ષા પૂર્વે વર્ગખંડ સેનિટાઈઝ કરવા, પરીક્ષાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપતા પહેલા હેન્ડ સેનિટાઇઝેશન, થર્મલગનથી ટેમ્પરેચર અને ઓક્સિમીટરથી જીર્ઁં૨ની ચકાસણી બાદ જ પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો તથા યુનિવર્સિટી હોસ્ટેલમાં પરીક્ષાર્થીઓને વિના મૂલ્યે રહેવાની સગવડ તથા સાવચેતીના તમામ પગલાઓનું ચૂસ્તપણે પાલન કરવામાં આવતું હતું. સઘળી કામગીરીમાં યુનિવર્સિટીના તમામ સંચાલક મંડળો, સિન્ડિકેટ સભ્યો, સ્થાનિક પંચાયત/મ્યુનિસિપાલિટીનો સહકાર, અનુસ્નાતક ભવનો/કોલેજીસના અધ્યાપક ગણ, યુનિવર્સિટી વહીવટી કર્મચારીઓ તથા વર્ગ-૪ના કર્મચારીઓ જાેડાયાં હતા. યુનિવર્સિટી હેલ્થ સેન્ટર પરિવાર પરીક્ષાઓ દરમિયાન સતત નિરીક્ષણ કરતો હતો.
ઉલ્લેખનીય છે કે શિક્ષણ નગરી વલ્લભ વિદ્યાનગરમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સ્થાનિક નથી અને ખાનગી અને યુનિવર્સિટી સંચાલિત છાત્રાલયોમાં રહે છે. હજુ સુધી યુનિ.માં કોવિડ -૧૯ ચેપનો એક પણ કેસ સામે આવ્યો નથી. સરદાર પટેલ યુનિ.ના કુલપતિ પ્રોફેસર શિરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, સદભાગ્યે અમારી યુનિવર્સિટીના એક પણ વિદ્યાર્થી, શિક્ષક અથવા બિનશૈક્ષણિક કર્મચારીને કોવિડ -૧૯ની અસર થઈ નથી. દરમિયાન યુનિવર્સિટીએ સોમવાર, તા. ૧૪ સપ્ટેમ્બરથી ૩૦ મી સપ્ટેમ્બર સુધી અનુસ્નાતક અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે.