સુરત-

ગુજરાત અને ખાસ કરીને સુરત શહેરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. કોરોનાના રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે સુરતના સોશિયલ મીડિયામાં ગુજરાત રાજ્યના ગૃહ વિભાગનો બોગસ ડિજીટલ લેટર પેડ પર '11-4-2021થી 17-04-2021 સુધી ગુજરાતના 6 મોટા શહેરોમાં લોકડાઉન લાગવાનું છે' તેવા લખાણો સાથે એક લેટર પેડ વાયરલ થયો હતો. લોકોમાં ગભરાટ અને અફવા ફેલાતા સાયબર ક્રાઈમ સેલ હરકતમાં આવી હતી અને લોકોને આવી ખોટી અફવા ન ફેલાવવા અને અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી.

આ મામલે સુરત સાયબર સેલે ગુનો નોંધી આવી અફવા ફેલાવનારા આરોપીની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન સુરતના ભેસ્તાનમાં રહેતા 48 વર્ષીય આનંદ ગિરજાશંકર શુક્લાએ સોશિયલ મીડિયામાં આ પોસ્ટ ખરાઈ કર્યા વિના શેયર કરી દીધી હતી. આ પોસ્ટથી અફવા વધુ ફેલાઈ શકે તેમ હતી. જેથી સુરત સાયબર ક્રાઈમ દ્વારા તેની ધરપકડ કરાઈ હતી. ઝડપાયેલો આરોપી આનંદ ગિરજાશંકર શુક્લા ભેસ્તાન વિસ્તારમાં રહે છે અને તે કાપડના વેપાર સાથે સંકળાયેલો છે. જો કે બીજી તરફ સુરત ક્રાઈમ બ્રાંચે આ પોસ્ટ બનાવનારા અને વાયરલ કરનારા મુખ્ય આરોપીની શોધખોળ પણ હાથ ધરી છે.