જોધપુર

રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા કોરોના સંક્રમિત આસારામને બુધવાર રાત્રે તબિયત બગડ્યા બાદ મહાત્મા ગાંધી હૉસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા છે. આસારામનો ત્રણ દિવસ પહેલા કોરોના ટેસ્ટ થયો હતો અને બુધવાર સાંજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 80 વર્ષના આસારામે બેચેનીની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત, કોરોના વાયરસને કારણે ઓક્સિજન લેવલ ખૂબ ઓછું થતા તેમને હૉસ્પિટલના આઇસીયૂ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. જ્યારે આસારામની તબિયત બગડવાના સમાચાર સાંભળીને તેમના સમર્થકો હૉસ્પિટલ પહોંચી ગયા. આ ઉપરાંત સ્થિતિ બગડતી જોઈને હવે આસારામને જોધપુર એઇમ્સ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.

જોકે, આ પહેલીવાર નથી જ્યારે આસારામને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય. આ વર્ષે જ ફેબ્રુઆરી મહિનામાં તેમની તબિયત ખરાબ થવાની ફરિયાદ બાદ મહાત્મા ગાંધી હૉસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જોધપુરની સેન્ટ્રલ જેલમાં ગયા મહિને જ લગભગ એક ડઝન કેદી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. તમામ કોરોના પોઝિટિવ કેદીઓને જેલની ડિસ્પેન્સરીમાં જ આઇસોલેટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હવે અન્ય કેદીઓમાં પણ કોરોના સંક્રમણના લક્ષણ જોવા મળ્યા છે. બીજી તરફ આસારામની તબિયત બગડ્યા બાદ જેલમાં કોરોના સંક્રમણની આશંકા વધી ગઈ છે.

નોંધનીય છે કે, આસારામ સગીરા સાથે દુષ્કર્મ મામલામાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે. આ ઉપરાંત દુષ્કર્મના મામલામાં દોષી કરાર થયેલા આસારામ પર નરબલી અને હત્યા જેવા અનેક ગંભીર આરોપ છે. એક સમય હતો જ્યારે આસારામના દરબારમાં દેશની જાણીતી હસ્તીઓ હાજરી આપતી હતી. પરંતુ 2013માં દુષ્કર્મનો મામલો સામે આવ્યા બાદ તેમના ખરાબ દિવસો શરૂ થઈ ગયા હતા અને ત્યારથી આસારામ જેલમાં કેદ છે.