25, સપ્ટેમ્બર 2020
અમદાવાદ-
આજે મળેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફિઝિકલ બોર્ડ બેઠકમાં પક્ષના કોર્પોરેટર શાહનવાઝ શેખ શરીર પર પાટાપિંડી કરી પહોંચ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે તેઓએ બિસ્માર રસ્તા વિશે રજૂઆત કરી હતી કે સામાન્ય વરસાદમાં જ શહેરના મોટાભાગના રસ્તાઓ તૂટી ગયાં છે જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તો અકસ્માતોની ઘટનામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કોર્પોરેટર શાહનવાઝ શેખે બિસ્માર રસ્તા માટે કોર્પોરેશનમાં ચાલતાં ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવ્યો હતો.
કોરોના કાળમાં બંધ રહેલી સરકારી કામકાજની પ્રવૃત્તિઓ હવે અનલૉક 5માં શરુ થઈ ગઇ છે. ત્યારે આજે છ માસ બાદ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનની પ્રત્યક્ષ બેઠક ટાગોર હોલમાં યોજાઈ ગઈ. પ્રજાના પ્રશ્નોને વાચા આપી સમસ્યા ઉકેલવા મળેલ એએમસી બોર્ડની બેઠક વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. આ બેઠકમાં કોર્પોરેટર શાહનવાઝ શેખ શરીર પર પાટાપિંડી કરીને પહોંચ્યાં હતાં અને ખરાબ થઈ ગયેલાં રસ્તાઓ વિશે સત્તાધીશોનું ધ્યાન દોરવાની કોશિશ કરી હતી. જો કે અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ યથાવત છે ત્યારે બીજી તરફ છ મહિના બાદ અમદાવાદ કોર્પોરેશનની બોર્ડ બેઠક મળી હતી જેમાં 190માંથી 80 કોર્પોરેટર હાજર રહ્યાં હતાં જ્યારે અન્ય કોર્પોરેટરોએ ઓનલાઇન હાજરી આપી હતી.