વડોદરા, તા.૨૩

શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં દર વર્ષે થતી જંગલી વનસ્પતિ અને લીલના કારણે અનેક વખત પીળા રંગનું પાણી આવે છે અને જંગલી વનસ્પતિ બહાર કાઢવા માટે પાલિકાને લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. ત્યારે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે પ્રયાસ પાલિકાતંત્રે હાથ ધર્યો છે. આ માટે સ્થાયી સમિતિમાં ચર્ચા બાદ સમિતિના ચાર સભ્યોએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને યુનિ.ના એન્વાયરમેન્ટ વિભાગના તજ્‌જ્ઞો સાથે આજવા સરોવરની મુલાકાત લઈને વનસ્પતિ અને પાણીના સેમ્પલ લીધા હતા.

શહેરને પીવાનું પાણી પૂરું પાડતા વર્ષોજૂના આજવા સરોવરમાં દર વરસે જંગલી વનસ્પતિ મોટી માત્રામાં ઊગી નીકળે છે અને સૂકાઈ ગયા બાદ તેના પાંદડાથી અનેક વખત પાણી પીળા રંગનું મળે છે. દર વર્ષે પાલિકાને આજવા સરોવરમાં જામી જતી વનસ્પતિને બહાર કાઢવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. ત્યારે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સ્થાયી સમિતિમાં ચર્ચા બાદ શનિવારે સ્થાયી સમિતિના સભ્ય મનોજ પટેલ, ડો. શીતલ મિસ્ત્રી, અજિત દધીચ અને સ્નેહલ પટેલે એડિશનલ સિટી ઈજનેર અને પાણી પુરવઠા વિભાગના અધિકારી તેમજ આજવા સરોવરના ઈજનેરો તેમજ યુનિવર્સિટીના બોટની વિભાગના એન્વાયરમેન્ટ વિભાગના એચઓડી અને પ્રાધ્યાપક સાથે આજવા સરોવરની મુલાકાત લીધી હતી.જાે કે, આ અગાઉ વનસ્પતિ કયા પ્રકારની છે અને તેને ઊગતી અટકાવી કેમ શકાય તે અંગે કોઈ જ કાર્યવાહી કરાઈ ન હતી. ત્યારે ગઈકાલે વનસ્પતિ જે સ્થળે ઊગે છે ત્યાંથી તેમજ અન્ય વિવિધ સ્થળેથી આજવા સરોવરમાંથી પાણી અને વનસ્પતિના સેમ્પલો લેવામાં આવ્યા હતા. હવે આ વનસ્પતિ કયા પ્રકારની છે અને તેને અટકાવવા માટે શું પગલાં લઈ શકાય તે અંગે તજ્‌જ્ઞોની સલાહ લીધા બાદ આગળની કાર્યવાહી કરાશે.