ગુજરાતમાં 5.50 લાખ પશુપાલકોને 1 લાખનો અકસ્માત વીમો બનાસ ડેરી ચૂકવશે
21, જુલાઈ 2021

બનાસકાંઠા-

આજે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ૫૩મી સામાન્ય સભામાં ડેરી અને પશુપાલકોને લઈને મોટી જાહેરાત કરાઇ છે. ડેરીને દર વર્ષે ૧૦૦ કરોડની વીજળીની જરૂર પડે છે. ત્યારે બનાસ ડેરીએ સોલારની નવી સંસ્થા બનાવવાનું આયોજન કર્યું છે. આ સાથે જ પશુપાલકોને કિલો દૂધ ફેટના ૮૧૮ રૂપિયા ભાવ આપવાનું પણ નક્કી કર્યું છે. આ સાથે સાડા પાંચ લાખ પશુપાલકોને એક લાખનો અકસ્માત વિમો પણ બનાસ ડેરી ચૂકવશે તેમ નક્કી કર્યું છે.

બનાસ ડેરી સનાદારમાં શરૂ કરશે નવી ડેરી. સનાદરમાં નવી ડેરીની શરૂઆત ડિસેમ્બર સુધી કરાશે. આ ઉપરાંત પશુપાલકો માટે મહત્વની જાહેરાત કરાઇ છે. પશુપાલકોને ભાવ ફેર પેટે ૧૧૩૨ કરોડ રૂપિયા ચૂકવાશે.ડેરીના ચેરમને શંકર ચૌધરીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, ‘રોજના ૨૭ કરોડ ૭૬ લાખ રૂપિયા બનાસકાઠાના પશુપાલકોને ચૂકવવામાં આવે છે. બનાસ ડેરીની મૂડીમાં બે હજાર ૯૪૧ કરોડનો વધારો થયો છે. આપણે જિલ્લામાં ઓક્સિજનની કમી ન સર્જાય તે માટે ઓક્સિજનનો પ્લાન્ટ પણ ઊભો કર્યો છે. કોરોના કાળમાં પણ બનાસ ડેરી સંચાલિત બનાસ મેડિકલ કોલેજે મહત્વનું કામ કર્યું છે. બનાસ ડેરીએ કોરોના કાળમાં એક પણ દિવસ પશુપાલકોનું દૂધ લેવાનું બંધ નથી કર્યું. બનાસ ડેરીમાં પહેલાં ૩૭૩ કરોડનું ટર્ન ઓવર હતું જે હવે ૨૦ વર્ષ બાદ ૧૨,૯૮૩ કરોડ થયું છે.વધુમાં જણાવ્યું કે, ‘દર મહિને આપણે ૮૩૩ કરોડ રૂપિયા જમા કરાવીએ છીએ અને એ બનાસકાંઠા જીલ્લો છે. રોજના ૨૭ કરોડ ૭૬ લાખ રૂપિયા રોજના બનાસકાંઠાના પશુપાલકોને ચૂકવિએ છીએ. ગઈ વખતે કિલો ફેટના ૮૧૨ ભાવ આપ્યો હતો જ્યારે આ વખતે ૮૧૮ કિલો ફેટ ભાવ આપવાનું નક્કી કર્યું છે. બનાસ ડેરી દ્વારા ૧૧૩૨ કરોડ રૂપિયા ભાવ વધારો અપાયો છે. ૧૪.૧૮% ભાવ વધારો પશુપાલકોને મળશે. ૫.૫૦ લાખ પશુપાલકોને ૧ લાખનો અકસ્માત વીમો બનાસ ડેરી ચૂકવશે. બનાસ ડેરીને દર વર્ષે ૧૦૦ કરોડની વીજળીની જરૂર પડે છે. જેથી બનાસ ડેરી સોલારની નવી સંસ્થા બનાવવાનું આયોજન કરશે. હવે વીજળી ઉત્પન્ન કરવાનું કામ કરવું પડશે. જેનાથી પશુપાલકોના ૧૦૦ કરોડ બચી શકે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution