ભરૂચ, તા.૨૩ 

ભરૂચમાં કોરોના મહામારી વકરતી જાય છે તેમ તેમ સ્થિતિ વધુ ભયાવહ બનતી જાય છે. હવે જિલ્લામાં દર્દીઓ માટે હોસ્પિટલોમાં બેડ ઓછા પડી રહ્યા છે. સાથે સાથે હવે કોરોના પોઝિટિવ દર્દીઓને લાવવા લઈ જવા એમ્બ્યુલન્સની પણ મહામારી ઉભી થઇ છે. ભરુચ સિવિલ હોસ્પિટલમાંથી રીફર કરાયેલ બે દર્દીઓને વડોદરા લઈને જતી ૧૦૮માં એક દર્દીની ઓક્સિજન વિના હાલત કફોડી બની હતી. જેને નબીપુર પાસેથી પરત ભરૂચ લવાયા બાદ ખાનગી એમ્બ્યુલન્સમાં વડોદરા ખસેડાયો હતો જેને લઈ લોકો લાપરવાહ આરોગ્ય તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે. પોઝિટિવ દર્દીઓથી હોસ્પિટલો ઉભરાય છે. બેડ ઓછા પડી રહ્યા છે. ના છૂટકે દર્દીઓને રીફર કરાય છે. જેઓ વડોદરા અથવા સુરત સારવાર માટે દોડે છે. ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલની સારવાર લઈ શકતા નથી જેને લઈ ભરૂચથી રીફર કરાયેલ દર્દીઓને ફરજિયાત વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે જવું પડે છે. ભરૂચ સિવિલ હાૅસ્પીટલમાં બેડ ઓછા હોવાથી આજે બે દર્દીઓએ રીફર કરાયા હતા. જેમને ૧૦૮માં વડોદરા લઈ જવાતા હતા. જોકે ૧૦૮માં એક જ ઓક્સિઇજન સિલિન્ડર હોઈ દર્દીને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. એમ્બ્યુલન્સ નબીપુર સુધી પહોંચતા જ દર્દીની ઓક્સિજન વિના હાલત કફોડી બની હતી.