કોલકત્તા-

પશ્ચિમ બંગાળમાં એપ્રિલ-મેમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં જ રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ ઊઠી છે. તૃણમુલ કોંગ્રેસમાં જુથબંધીથી પરેશાન મુખ્યમંત્રી મમતા બેનરજી માટે આ સ્થિતિ માથાનો દુઃખાવો સમાન છે.

ભાજપે તેની તરફેણ કરી છે અને રાજ્યપાલ જગદીપ ધનખડે રાજકીય હિંસા અંગે સવાલો ઊઠાવ્યા છે. સાથે બંધારણ મુજબ પગલાં લેવાની માગ કરી છે. પશ્ચિમ બંગાળમાં જે પણ થઇ રહ્યું છે તે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી થઇ રહ્યું હોવાનું રાજકીય વર્તુળોનું માનવું છે. હવે રાજકીય હિંસાના નામે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ચર્ચા વેગ પકડી રહી છે. 

વડાપ્રધાન મોદીએ પણ બિહારના વિજયની ઉજવણીમા નામ લીધા વિના કહ્યું હતું કે, ‘મોતનો ખેલ ખેલીને મત મળતા નથી.’ વડાપ્રધાને સાંકેતિક ભાષામાં મમતા સરકારને ચેતવણી આપી છે. 5-6 મહિના પછી થનારી ચૂંટણી પહેલાં જ ભાજપે મમતા સરકારને ઘેરવાની રણનીતિ બનાવી લીધી છે. જેના ભાગરુપે ગૃહમંત્રી થોડા દિવસ પહેલાં બે દિવસની કોલકાતાની મુલાકત લઇ આવ્યા. 

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે કહ્યું કે બંગાળમાં રાજકીય હિંસા રોકાવવાનું નામ જ લઇ રહી નથી. અહીં વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. અધિકારીઓ રાજકીય કાર્યકરાત બની ગયા છે. લોકતંત્રમાં આ યોગ્ય નથી. સુરક્ષા આપવામાં પણ રાજકારણ રમાઇ રહ્યું છે. વિરોધી નેતાઓની સુરક્ષા પાછી ખેંચવામાં આવી રહી છે.