ભરૂચ:કબ્રસ્તાનમાં મહિલાઓના વાળ ખેંચી કાઢતા સગીર સહિત 3 પકડાયા
11, નવેમ્બર 2020

ભરૂચ-

રૂપિયા ૬થી ૭ હજારમાં એક કિલો વેચાતા વાળની ચોરીનો વિચિત્ર કિસ્સો ભરૂચના ઇખર ગામે બન્યો છે. ગામના કબ્રસ્તાનમાં મહિલાઓની કબરમાં ખાડો પાડી માથાના વાળ કાપી લઇ તેની ચોરી કરતી ત્રિપુટીને ગ્રામજનોએ ઝડપી પાડી હતી. સ્થાનિકોએ ૨ સગીર સહિત ત્રણને મેથીપાક આપી પોલીસના હવાલે કરતાં પોલીસે અરજીના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઇખર ગામના કબ્રસ્તાનમાં થોડા દિવસથી કબરોને નુકસાન કરવામાં આવી રહ્યું હતું.

સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું. દરમિયાનમાં બે-એક દિવસ પહેલાં ઇખરના કબ્રસ્તાનમાંથી ભાગતાં ત્રણ શખ્સોને કેટલાંક શખ્સોએ જાેઇ જતાં તેમણે તેઓની ભાળ કાઢતાં પાલેજ નજીકથી તે પૈકીના બે સગીરને ઝડપી પાડ્યાં હતાં. તેમની પ્રાથમિક પુછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ઇકબાલ નામનો શખ્સ તેમજ ઝડપાયેલા બે સગીર કબરમાંથી વાળ ખેંચીને ચોરી કરતાં હોવાની કેફિયત કરી હતી. જે પૈકીના બે સગીર વાળનો વ્યવસાય કરતાં હોઇ ઇકબાલની મદદથી કબ્રસ્તાનમાં આવેલી મહિલાઓની કબર શોધતાં હતાં.

આ શખ્સો કબરના માથાના ભાગે નાનું કાણું પાડી દોરી અને તારથી ખાડામાંથી મહિલાઓના વાળ ખેંચી લઇ તેને કાપી લઇ ચોરી કરી જતાં હોવાની કબુલાત તેમણે કરી હતી. કબ્રસ્તાનમાં મહિલાઓની કબરને ટોળકી નિશાન બનાવતી હતી. ટોળકી ધ્યાન રાખતી હતી કે, કબર જૂની હોય જેથી કે મૃતકના માથાના વાળ ચામડીમાંથી છુટાં પડી ગયાં હોઇ તેને સરળતાથી બહાર કાઢી શકાય. જ્યારે નવી કબરમાં તેટલી સરળતાથી વાળ નિકળી શકતાં ન હોઇ તે માટે તેઓ મહેનત કરતાં ન હતાં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution