ભરૂચ: ખુલ્લા બોરવેલમાં પડતા 6 વર્ષની બાળકીનું મોત, ઘટના CCTVમાં કેદ
04, ફેબ્રુઆરી 2021

ભરૂચ-

૩ દિવસ પહેલા ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં એક ૬ વર્ષની બાળકીનો મૃતદેહ બોરવેલમાંથી મળ્યો હતો. બોરવેલ ખૂલો હોવાના કારણે બાળકી તેમાં પડી ગઇ હતી અને ડૂબી જવાના કારણે બાળકીનું મોત નીપજ્યું હતું. જોકે આ બનાવને લઇને પરિવારજનોએ કોઇ પોલીસ ફરિયાદ કરી ન હતી. આજે ૨ દિવસ બાદ એ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ઓનુશ્રી નામની ૬ વર્ષીય બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી અને રમતા-રમતા બોરવેલ પાસે પહોંચી ગઇ હતી અને બોરવેલમાં પડી ગઇ હતી. ઘટનાના સામે આવેલા સીસીટીવી પ્રમાણે રંગહાઈટ્‌સ સોસાયટીમાં રહેતા અપૂર્વ વિશ્વાસની ૬ વર્ષીય ઓનુશ્રી રમવા માટે નીચે ઉતરી હતી. અન્ય કોઇ બાળકો સાથે રમવા માટે ન હોય ઓનુશ્રી સોસાયાટીના ગેટ પાસે એકલી રમી રહી હતી. રમત-રમતમાં તે સોસાયટીની બાજૂમાં ખોદવામાં આવેલા બોરવેલ પાસે પહોંચી ગઇ હતી. બોરવેલ પાસે એ રમી રહી હતી એ દરમિયાન તે અંધારામાં બોરવેલમાં પડી ગઇ હતી. ઘટના સમયે કોઇ હાજર ન હોવાથી કોઇને ખ્યાલ ન રહ્યો કે બાળકી બોરવેલમાં પડી ગઇ છે, બોરવેલમાં ડૂબી જવાથી બાળકીનું મોત નીપજ્યું હતું.રમવા માટે નીચે ઉતરેલી ઓનુશ્રી ક્યાંય સુધી ઘરે પરત ન ફરતાં પરિવાર ચિંતાતુર થયો હતો અને બાળકીની શોધખોળ આરંભી હતી. શોધખોળ કરતા બાળકીનો મૃતદેહ બોરવેલમાંથી મળ્યો હતો. ઓનુશ્રીનો મૃતદેહ મળતા પરિવાજનો પર જાણેકે આભ ફાટી ગયું હતું અને સોસાયટીના અન્ય રહેવાસીઓ પણ શોકાતૂર થઇ ગયા હતા. ઓનુશ્રીને બોરવેલમાંથા કાઢી તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution