ભરૂચ, તા.૧૬ 

ભરૂચ જિલ્લામાં મેઘરાજા છેલ્લા ચાર દિવસથી સિઝનનો વરસાદ વરસાવી રહ્યા છે. ગોકુળ આઠમથી એકધારો સાર્વત્રિક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. જોકે ગતરોજ રાત્રીથી એકધારા વરસતાં વરસાદે થોડો વિરામ લેતા લોકોમાં કામધંધા અર્થે થોડી રાહત જણાતી હતી. પરંતુ બપોર બાદ ભરૂચમાં એકાએક પુનઃ વરસાદે માજા મૂકી હતી. કાળા ડિબંદ વાદળો વચ્ચે કડાકા ધડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એકધારા વરસાદના પગલે સમગ્ર ભરૂચ જિલ્લામાં ૨ કલાકમાં ૨ ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ફુરજા, ચારરસ્તા, સેવાશ્રમ રોડ, પાચબત્તી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાથી પુર જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.