ભૂજ-

પ્રસારભારતી દ્વારા દેશભરના 90 સહિત આકાશવાણીનું ભુજ કેન્દ્ર પણ બંધ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવતાં 55 વર્ષથી સંભળાતા ભુજ રેડિયો સ્ટેશનનો અવાજ કાયમને માટે બંધ થઈ ગયો છે.

પ્રસાર ભારતીએ રેડિયો પ્રસારણ સેવાઓને ઓપરેટિંગ સ્ટેશન અને કોન્ટ્રીબ્યુટિંગ સ્ટેશન એમ બે પ્રકારમાં વિભાજિત કરતાં ભુજ સ્ટેશને હવે કોન્ટ્રીબ્યુટિંગ સ્ટેશન તરીકે દરરોજ માત્ર અડધા કે એક કલાકની સામગ્રી વેબના માધ્યમથી અમદાવાદ કેન્દ્રને મોક્લવવાની રહેશે. ટ્રાન્સમિશન બંધ જ થઈ જશે એટલે હવેથી ભુજ કેન્દ્ર સ્વતંત્ર રીતે કોઈ પણ કાર્યક્રમ બનાવીને કે કોઈ સમાચારનું પ્રસારણ કરી નહીં શકે.

આકાશવાણીના ભુજ કેન્દ્રમાં અત્યારે પ્રોગ્રામ વિભાગમાં પાંચનો સ્ટાફ છે, જેમાંથી માત્ર એક કે બે સ્ટાફને રાખી બાકીના સ્ટાફની અમદાવાદ બદલી કરી દેવાશે. સત્તાધીશો, સરકારે રેડિયોને ટકાવવા માટે કોઈ પ્રયાસ જ કર્યા નહીં હોવાની પણ રેડિયોપ્રેમીઓમાં રાવ છે. રોજગારીના સરકારી દાવાઓ વચ્ચે છેલ્લા 25 વર્ષ જેટલા લાંબા સમયથી ભરતી જ કરાઈ નથી કે ટીઆરપીની જેમ રેડિયોના શ્રોતાઓના મત, સંખ્યાના સર્વે જેવી કોઈ કવાયત પણ કદી કરાઈ નથી. ઉપરાંત, ગુજરાતમાં અમદાવાદ કેન્દ્ર ચાલુ રાખીને ભુજની સાથોસાથ રાજકોટ જેવા ધમધમતા તેમજ આહવા કેન્દ્રને પણ બંધ કરી દેવાયાં છે.