ભુજ: એવુ તે શું થયુ કે, મધરાત્રે વેપારીના ચાર વાહન સળગાવી દીધા
25, ફેબ્રુઆરી 2021

ભુજ-

માનસિક વિકૃત શખ્સે ગાંધીધામના ઝંડા ચોક વિસ્તારમાં રહેતા વેપારી ઘર પાસે પાર્ક કરેલા ચાર વાહનોમાં આગ ચાંપી રૂ.2.95 લાખનું નુકશાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.ઝંડા ચોકના ટીસીએક્સ નોર્થમાં રહેતા 58 વર્ષીય વેપારી અશોકભાઇ ગોવિંદભાઇ શર્માએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મધરાતે પોણા બે વાગ્યાના અરસામાં તેમના વાહનોમાં આગ લાગી હોવાની જાણ તેમના પડોશીઓએ કરતાં તેઓ તેમના પત્ની બરખાબેન, પુત્રી દીક્ષાબેન અને પુત્ર ધ્રુવે બહાર આવી આગ કાબુમાં લીધી હતી. ત્યારબાદ ઘરમાં લગાવેલા સીસી ટીવી ફૂટેજ તપાસ કરતાં જુની કચ્છ હાઇવે ઓફિસની સામે ફ્લેટમાં રહેતા મુરલી ભાટિયાએ તેમના વાહનોમાં અગમ્ય કારણોસર કોઇ જ્વલનશીલ પદાર્થ ફેંકી સળગાવી દીધા હોવાનો ખ્યાલ આવ્યો હતો. મુરલી નામનો શખ્સ અવાર નવાર આસપાસ રહેતા લોકોને પરેશાન કરતો રહેતો હોવાનું તેમણે ફરિયાદમાં જણાવી તેમના ચાર વાહનોમાં આગ લગાવી રૂ.2,95,000 નું નુકશાન પહોંચાડ્યું હોવાનું તેમણે જણાવ્યું છે. વારંવાર અધમ મચાવતા આ ઇસમ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા પણ માંગ કરી હતી. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution