એરલાઈનને લોકડાઉનમાં મોટું નુકસાન,ઈન્ડિગોએ કેન્સલ ટિકિટો પેટે કરોડો ચૂકવ્યાં
26, માર્ચ 2021

નવી દિલ્હી

કોરોના મહામારીના કારણે દેશમાં મોટા ભાગનો વ્યવહાર બંધ થઇ ગયો હતો. રોડ, ટ્રેન અને હવાઈ માર્ગે પ્રવાસ બંધ થઈ ગયો હતો. જેના પરિણામે અનેક કંપનીઓની આવક બંધ થઈ ગઈ હતી. ખાસ કરીને એરલાઇન્સ લાંબો સમય બંધ રહેતા મુશ્કેલી સર્જાઇ હતી. જોકે લોકડાઉનમાં ઉડ્ડયન બંધ રહેતા અનેક લોકોએ બૂક કરાવેલી ટિકિટની રકમ પણ સલવાઇ ગઇ હતી. આવી સ્થિતિમાં અત્યારે ઈન્ડિગોએ યાત્રિકોને રિફંડ આપવાની મોટાભાગની કામગીરી પૂર્ણ કરી છે. દેશની સૌથી મોટી ઘરેલું એરલાઇન ઈન્ડિગોએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે, સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશના પગલે યાત્રિકોને લગભગ રૂ. ૧૦૩૦ કરોડનું રિફંડ ચૂકવાઈ ગયું છે.

સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ ગયા વર્ષે કોરોના મહામારીના કારણે લાગેલા લોકડાઉનના પરિણામે જે યાત્રીકો ઉડાન ભરી શકયા નહોતા તેઓને ટિકિટના સંપૂર્ણ ટિકિટના ભરેલા રુપિયા પરત કરી દેવાના હતા. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ઈન્ડિગોએ ૯૯.૯૫ ટકા કસ્ટમ ક્રેડિટ શેલ અને રિફંડ આપવાનું કામ પૂર્ણ કરી દીધું છે, જે પેન્ડિગ હતું. તેમાં મોટાભાગની રોકડ લેવડ દેવડ છે. આ કામગીરી માટે ગ્રાહકોની બેંક ટ્રાન્સફર ડીટેલની રાહ જોવાઈ રહી છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે એરલાઈન્સને ૨૪ મે ૨૦૨૦ સુધીની યાત્રા માટે બુક કરાયેલા ટિકિટનું ભાડું તરત પરત આપવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ ડીજીસીએ દ્વારસ ૧૬ એપ્રિલે નોટિફિકેશન જાહેર કરાયું હતું.

જેમાં એરલાઇન્સને ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ સુધીના લોકડાઉનના પહેલા તબક્કા દરમિયાન બૂક કરાયેલી ટિકિટની રકમ પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઈન્ડિગોના સીઈઓ રોનો દત્તાએ કહ્યું કે, 'કોવિડ -૧૯ની અચાનક શરૂઆતના પરિણામે માર્ચ ૨૦૨૦માં લાદવામાં આવેલા લોકડાઉનનો અંત સુધી અમારા ઓપરેશન્સ સંપૂર્ણ રીતે અટકાવી દેવાયા હતા. ટિકિટના વેચાણ થકી અમારી પાસે આવનારા રોકડને અસર થઈ હતી. તેથી અમે કેન્સલ ફ્લાઇટ માટે તરત જ રિફંડ કરવામાં અસમર્થ હતા. અમને રિફંડ માટે ક્રેડિટ શેલ બનાવવું પડ્યું. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution