આહવા-

રાજ્યભરમાં અનેક સ્થળે મરઘાં ઉપરાંત કાગડા, કબુતર, કાબર, ટીટોડી અને બતક જેવા પક્ષીઓનાં સંદિગ્ધ મોતને પગલે તંત્ર સફાળું સાબદું થયું છે. ગુજરાત રાજ્યમાં જુનાગઢ, વડોદરા, વલસાડ અને સુરત પછી હવે ડાંગ જિલ્લામાં પણ અનેક સ્થળે પક્ષીઓનાં મોત થવાથી અહીં પણ કેન્દ્ર દ્વારા નિષ્ણાતોની એક ટીમ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાંક દિવસથી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં પક્ષીઓનાં શંકાસ્પદ મોત નોંધાય છે, જેમાં કાગડા, ટીટોડી, મરઘાં, બતક જેવા પક્ષીઓનાં શંકાસ્પદ રીતે મોત નોંધાઈ રહ્યા છે. આ રોગ બર્ડ ફ્લુ હોવાનું અનેક જિલ્લાઓમાં જણાયા બાદ હવે દિલ્હીથી પશુપાલન ખાતા દ્વારા નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવે છે અને તેઓ સેમ્પલ એકઠાં કરીને તેની અટકાયત માટે પગલાં ભરે છે. છતાં હજી નર્મદા, તાપી, મહેસાણા, કચ્છ અને પોરબંદર જેવા વિસ્તારોમાંથી લેવાયેલા સેમ્પલોના રીપોર્ટ આવ્યા નથી ત્યારે તંત્ર કોઈ કસર છોડવા માંગતું નથી અને છેલ્લા બે દિવસથી ડાંગ જિલ્લામાં કાગડા ટીટોડી અને બતક જેવા પક્ષીઓનાં મોત થવાને પગલે ટીમ મોકલી સેમ્પલો એકઠા કરવાની કામગીરી હાથ ધરાઈ છે.