રસ્તાના ખાતમુહૂર્તમાં ભાજપ અને BTPના ધારાસભ્યો ભાન ભૂલ્યા, દારૂનો અભિષેક કર્યો
28, ઓક્ટોબર 2020

નર્મદા-

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર દારૂની રેલમછેલ થતી હોવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત BTP ના ધારાસભ્ય અને ભાજપના પૂર્વ ધારાસભ્ય દ્વારા જ રસ્તા ઉપર દારૂ થી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા ડેડિયાપાડા વિસ્તારમાં રસ્તાનું ખાતમુહૂર્ત ખાખરના પાનમાં દારૂના અભિષેકથી કરવામાં આવ્યું હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

ગત 25/10/2020નાં રોજ ડેડિયાપાડા વિસ્તારમાં રસ્તાનું ખાતમુહૂર્તમાં BTPના MLA મહેશ વસાવા અને ભાજપના પૂર્વ MLA મોતીસિંહ વસાવા સહિતના નેતાઓએ ખાતમુહૂર્તમાં દારૂથી અભિષેક કર્યો હતો. બીજી બાજુ, ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, આપણે સારા પ્રસંગોએ ભૂમિપૂજન અબીલ-ગુલાલ, કંકુ-ચોખા તથા દૂધ, જળ થી પૂજન કરવામાં આવે છે. તેના બદલે ડેડિયાપાડામાં રસ્તાના ખાતમુર્હતમાં ખાખરના પાનમાં દારૂ લઈને લાઈનમાં ઊભા રહીને દારૂથી અભિષેક કરતા નેતાઓ જોવા મળી રહ્યા છે. હંમેશાં આપણા વ્યવહારો તથા કાર્યક્રમો એવા હોવા જોઈએ કે જેનાથી સમાજ પ્રેરણા લઈ શકે, પરંતુ આ પાનવાળું દૃશ્ય જોઈને ઘણાબધા લોકો ટીકા-ટિપ્પણીઓ કરી રહ્યા છે, તેથી ભવિષ્યમાં આવા કાર્યક્રમો ન કરતાં આમપ્રજામાં એક સારો સંદેશો જાય એવા કાર્યક્રમો કરવા જોઈએ.

આ કાર્યક્રમમાં હાજર નર્મદા જિલ્લાના ભાજપ આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર વસાવાએ જણાવ્યું હતું કે અમે પહેલા ભૂમિપૂજન અબીલ-ગુલાલ, કંકુ-ચોખા અને નાળિયેર વધેરી કર્યું હતું. BTPના ધારાસભ્ય મહેશ વસાવાએ ખાખરના પાનમાં દારૂનો અભિષેક કરવા જણાવ્યું, મહેશ વસાવાએ એ વખતે કહ્યું હતું કે એ તો આપણી આદિવાસીઓની મૂળ સંસ્કૃતિ છે. સત્તામાં આવ્યા પછી BTPના ધારાસભ્ય મહેશ વસાવા નવી નવી પ્રથાઓ ઉમેરવા માગે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution