મોદી સરકારના ત્રણ નવાં કૃષિ કાનૂન સામે પંજાબ-હરિયાણાના ખેડૂતો છેલ્લાં ૧૪ દિવસથી આંદોલન કરી રહ્યાં છે. કિસાન છે કે માનતા જ નથી! સરકારે ખેડૂતોને મનાવવાના અનેક પ્રયાસો કર્યાં, પણ સફળતા મળી નથી. આ દરમિયાન એવી ખબર આવી રહી છે કે, બીજેપીએ વધુ એક મોટો પ્લાન તૈયાર કર્યો છે. કૃષિ કાનૂનોના વિરોધ વચ્ચે બીજેપીએ એક વિરાટ અભિયાન ચલાવવાની બ્લ્યૂપ્રિન્ટ તૈયાર કરી દીધી છે.


કેન્દ્ર સરકારે કરેલી આ કોશિશ પણ જાણવી જરૂરી, જાણીને આંખ પહોળી થઈ જશે! 



કેન્દ્ર સરકારે કિસાનોનો સીધો સંપર્ક તો કર્યો જ છે સાથે સાથે વેબિનાર દ્વારા દેશના ખૂણે-ખૂણે રહેલાં ખેડૂતોને સમજાવવાની કોશિશ પણ કરી છે. એક આંકડા મુજબ, જૂન અને નવેમ્બર ૨૦૨૦ દરમિયાન સરકારે કુલ ૧,૩૭,૦૫૪ વેબિનાર કર્યાં હતાં. આ વેબિનાર દ્વારા ૯૨,૪૨,૩૭૬ કિસાનોનો સંપર્ક કર્યો હતો. આ ઉપરાંત ઓક્ટોબર મહિનામાં ૨.૨૩ કરોડ એસએમએસ સંદેશા મોકલ્યાં હતાં. અને છેલ્લે કૃષિ બિલ આવી ગયાં પછી પણ કિસાનો સાથે સીધી વાતચીત કરી છે, પણ કિસાન છે કે માનતા જ નથી.


BJP કૃષિ કાનૂનો પર થઈ રહેલાં વિરોધને અટકાવવા વધુ જાણકારી ખેડૂતો સુધી પહોંચે એ માટે એક મોટું અભિયાન ચલાવશે.


શું હશે આ અભિયાનમાં?



સૂત્રોનું કહેવું છે કે, આ મહા અભિયાન અંતર્ગત દેશના ૭૦૦ જિલ્લામાં ૧૦૦ પ્રેસ કોન્ફરન્સ, ૭૦૦ કિસાનોની સભાઓ ભરવામાં આવશે અને ચૌપાલ પણ ચલાવવામાં આવશે. આ કામ માટે કેબિનેટ કક્ષાના વરિષ્ઠ મંત્રીઓને કામ લગાડવામાં આવશે. આ અભિયાન હેઠળ કૃષિ કાનૂનોને લઈને ઊઠી રહેલાં એક-એક સવાલના જવાબ આપવામાં આવશે.


અચાનક સરકારે આવી યોજના કેમ બનાવી?



હરિયાણા-પંજાબના કિસાનો સાથેની મંત્રણાઓ ભાંગી પડી છે. કિસાનોએ આંદોલનને વધુ તેજ કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ બાબતને નજરમાં રાખીને બીજેપી સફાળી જાગી ગઈ છે. એવું પણ કહેવાય છે કે, આ અભિયાનમાં સાથે-સાથે કૃષિ કાનૂનો પર જનમત પણ એકઠો કરી લેવાશે.


શું તમે જાણો છો પીએમ મોદીએ અત્યાર સુધી કૃષિ કાનૂનો પણ કેટલી વખત સફાઈ આપી છે?


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરીએ તો કૃષિ કાનૂનમાં સુધારાઓ પર ૨૫થી વધુ વખત સફાઈ આપી છે. અને વિસ્તારથી સમજાવવાની કોશિશ કરી છે. કિસાનોને કેવી રીતે લાભ મળશે. એ પણ સમજાવ્યું છે. મતલબ કે, આ બિલો પર  નરેન્દ્ર મોદીએ દર અઠવાડિયે એક વખત અચૂક વાત કરી છે. છતાં સરકાર સામે ફૂંકાયેલું રણશીંગુ હજું શાંત થયું નથી. નરેન્દ્ર મોદીએ ૨૫ વખતના તેમનાં વ્યક્તવ્યોમાં કિસાનો, ગ્રામીણ શ્રેત્રો, વૈશ્વિક રોકાણકારો અને મન કી બાત જેવાં વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે. કૃષિ બિલ સુધારાઓ પર પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલકિલ્લાએથી, બિહારમાં ચૂંટણી સભાઓમાં પણ ઘણી સ્પષ્ટતાઓ કરી છે.