ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસર ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાનું ટાઈમટેબલ આવી ગયું છે. યાદીમાં જણાવ્યા અનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના નિયમિત, રીપિટર અને પૃથ્થક ઉમેદવારોની જાહેર પરીક્ષા તેમજ ધોરણ ૧૦ સંસ્કૃત પ્રથમ અને ધોરણ ૧૨ સંસ્કૃત માધ્યમની પરીક્ષાઓ ૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. જેની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ શાળાઓના પ્રિન્સિપાલ, શિક્ષક અને વિદ્યાર્થીઓએ નોંધ લેવી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચના અંતમાં લેવાનારી પરીક્ષા પહેલા ૨ માર્ચથી સાયન્સના પ્રાયોગિક વિષયોની પરીક્ષા લેવાશે. અગાઉ બોર્ડ દ્વારા આ પરીક્ષા ૧૪ ફેબ્રુઆરીથી લેવામાં આવનારી હતી. જાે કે, કોરોનાને કારણે સરકારે દ્વારા તમામ પરીક્ષાઓ બે સપ્તાહ પાછળ લઈ જવાનું નક્કી કરવામાં આવતા હવે આ પરીક્ષા બે માર્ચથી લેવામાં આવશે.

એસએસસી ધોરણ-૧૦ના તમામ પ્રશ્નપત્રો ૮૦ ગુણના રહેશે. જ્યારે વોકેશનલ કોર્સના વિષયકોડ ૪૧, ૪૨, ૪૨, ૪૪, ૫૦, ૭૬, ૭૮, ૮૦ વિષયના પ્રશ્નપત્રના ગુણ ૩૦ રહેશે

પ્રશ્નપત્રનો સમય સવારે ૧૦થી ૧૦-૧૫નો રહેશે, જ્યારે ઉત્તર લખવાનો સમય ૧૦.૧૫થી ૩.૧૫ સુધી રહેશે.

પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના અડધો કલાક પહેલા હાજર થવાનું રહેશે.

ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાનું શેડ્યુલ

પરીક્ષાનો સમય બપોરે ૩.૦૦થી સાંજે ૬.૧૫ સુધીનો રહેશે

એચએસસી ઉમેદવારો માટે દરેક પ્રશ્નપત્રમાં ૧૫ મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. જે દરમિયાન પરીક્ષાર્થીએ ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટે શરૂઆતની ૫ મિનિટ અને ૧૦ મિનિટ પ્રશ્નપત્ર વાંચવા માટે ફાળવાશે, જ્યારે ઉત્તરો લખવા માટે ૩ કલાકનો સમય આપવામાં આવશે.

ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષાનું ટાઈમ ટેબલ- ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર સંગીત સૈદ્ધાંતિક (૧૪૬) વિષયની પરીક્ષાનો સમય સવારે ૧૦.૩૦થી બપોરે ૧૨.૪૫નો રહેશે.

ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર કોમ્પ્યુટર પરિચય (૩૩૧) વિષયની સૈદ્ધાંતિક પરીક્ષા ઓએમઆર જવાબવહીમાં લેવાશે. જેનો સમય ૩.૦૦થી ૫.૧૫નો રહેશે.

ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર હેલ્થકેર (૪૦૧), રીટેઈલ (૪૦૩), બ્યુટી એન્ડ એડવાન્સ (૪૦૫), ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ (૪૦૭) વિષયની પરીક્ષાનો સમય સવારે ૧૦.૩૦થી ૧૧.૪૫નો રહેશે.

ધો.૧૦ અને ૧૨માં ૫.૮૮ લાખ વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા

છેલ્લા બે વર્ષમાં કોરોનાના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ નુકસાન થયું છે. પરંતુ ગુજરાતમાં મહામારીને લીધે માત્ર લર્નિંગ લોસ જ નહીં વધુ એક ખોટ પણ પડી છે. માર્ચ ૨૦૨૨માં યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં ૫.૮ લાખ વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ધોરણ ૧૦માં ચાલુ વર્ષે ૯.૭૨ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જે ૨૦૨૧ની સરખામણીમાં ઓછા છે. કોરોનાની બીજી લહેરના કારણે ૨૦૨૧માં માસ પ્રમોશન જાહેર કરવામાં આવ્યું હતું એ સમયે ધોરણ ૧૦માં ૧૪.૦૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ૨૦૨૦માં મહામારી શરૂ થઈ હતી એ વખતે પણ ૧૧.૫ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ જ પ્રકારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪.૨૬ લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે નોંધણી કરાવી છે, જે ગત વર્ષ કરતાં ઓછી છે. ૨૦૨૧માં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૫.૪૨ લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ વર્ષે ૩૩,૦૦૦ વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ગત વર્ષે ૧.૪ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. નિષ્ણાતોનું માનીએ તો, વિદ્યાર્થીઓની સંખ્યામાં આટલો ભારે ઘટાડો અગાઉ ક્યારેય જાેવા મળ્યો નથી. પ્રાથમિક રીતે નિષ્ણાતોએ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા પાછળના બે મુખ્ય કારણ આપ્યા છેઃ મહામારીના કારણે લોકોની આર્થિક અને સામાજિક તકલીફો વધી છે જેના લીધે કેટલાય વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી ડ્રોપ લીધો છે. બીજું કારણ છે કે, રિપીટરોની સંખ્યા શૂન્ય છે કારણકે આગલા વર્ષે મહામારીના લીધે માસ પ્રમોશન અપાયું હતું. અમદાવાદ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશનના પ્રમુખ અમૃત ભરવાડના કહેવા અનુસાર, સ્કૂલોમાં ધો.૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૦થી૧૨ ટકાનો ઘટાડો જાેવા મળ્યો છે. મોટાભાગના વાલીઓ સ્કૂલમાંથી એમ કહીને લીવિંગ સર્ટિફિકેટ લઈ જાય છે કે, તેઓ અન્ય શાળામાં એડમિશન લઈ રહ્યા છે.