ગુજરાતમાં અહિંયા બોગસ વેક્સિન સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું: એસઓજીએ તપાસ શરૂ કરી
16, ઓગ્સ્ટ 2021

દેવભૂમિ દ્વારકા-

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે વેકસીન ન લીધી હોવા છતાં વેકસીનના બોગસ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. જિલ્લા એસઓજીની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે વેકસીન લેવા અંગે એજન્ટ અને વચેટીયાની પૂછપરછ કરતા ૨૦૦થી વધુ બોગસ વેકસીન સર્ટિફિકેટ મળી આવ્યા હતા. હંગામી અરોગ્ય કર્મીઓ સહિત ટ્રાવેલ એજન્ટ અને વચેટીયા સહિત કુલ છ આરોપીની અટકાયત કરી વધુ તપાસ ચાલી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતેથી બોગસ વેકસીન સર્ટિફિકેટ બનાવવાનું મોટું કૌભાંડ દ્વારકા જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે મોટાભાગના લોકો માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલ છે અને દેશ વિદેશમાં માલવાહક જહાજ વડે સફર કરતા હોય છે. દુબઇ, ઈરાન, મસ્કત, ઓમાન સહિતના દેશમાં માલવાહક જહાજ લઈને ખલાસીઓ જતા હોય ત્યારે વેકસીનના બંને ડોઝ મોટા ભાગના દેશોમાં ફરજીયાત છે. ત્યારે જ્યાં સુધી વેકસીનના બંને ડોઝ ન લેવાય ત્યાં સુધી વિઝા ન મળતા હોય જેના લીધે સલાયાના માછીમારો અને ખલાસીઓએ વેકસીન લીધા વિનાજ વેકસીનેશન સર્ટિફિકેટ લઈ લેતા હતા. જેમાં ટ્રાવેલ એજન્ટ, વચેટીયા અને આરોગ્ય વિભાગના હંગામી ૨ કર્મીઓએ મહિલા હેલ્થ વર્કરના છેતરપિંડી કરી આઈડી અને પાસવર્ડ લઈ અને બોગસ વેકસીન સર્ટિફિકેટ બનાવી લેવામાં આવતા હતા અને બાદમાં વિઝાની પરમીશન માટે જતા હતા. પરંતુ જિલ્લા એસઓજીને બાતમી મળતા ટ્રાવેલ એજન્ટની પૂછપરછ કરવામાં આવતા બે ટ્રાવેલ એજન્ટ પાસેથી અન્ય બે વચેટીયાના નામ ખુલ્યા હતા. બાદમાં વધુ તપાસ કરવામાં આવતા બે અરોગ્ય વિભાગના હંગામી કર્મીઓ દ્વારા મહિલા હેલ્થ વર્કરના આઈડી પાસવર્ડ મેળવી લઈ છેતરપિંડી કરી અને સમગ્ર વેકસીન સર્ટિફિકેટનું કૌભાંડ આચર્યું હતું. જેમાં બે ટ્રાવેલ એજન્ટ, બે વચેટીયા અને બે હંગામી આરોગ્ય વિભાગના કર્મચારીઓને જિલ્લા એસઓજી પોલીસ દ્વારા અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે હાલમાં તપાસ દરમિયાન ૨૦૦ થી વધુ બોગસ વેકસીન ના સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા હોવાનું પણ ખુલ્યું છે અને આ આંકડો હજુ વધી પણ શકે છે ત્યારે એક તરફ કોરોના વોરિયર્સ એવા આરોગ્ય વિભાગ કર્મચારીઓ અને પોલીસ સહિતના ફ્રન્ટ લાઇન વર્કરો ખૂબ જ ઉમદા કામગીરી કોરોના કાળમાં કરી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution