ટીમ આરટીઆઇ સન્માનિત કરાઇ 

વડોદરા : કોરોના ના કારણે લોકડાઉનમાં જનહિતના કાર્યો કરનાર ટીમ આરટીઆઇને વૈષ્ણવાચાર્ય વજરાજ બાવાએ સન્માનિત કર્યા હતા.

આજવા રોડની સમસ્યાના પ્રશ્ને વિરોધ

શહેરના આજવા રોડ કમલા નગર સામે આવેલ ચાચા નહેરુ નગરની વિવિધ સમસ્યાઓને લઈને સ્થાનિક રહીશો સાથે શિવ સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.પાલિકા દ્વારા પ્રતિવર્ષ જંગી કરવેરા લેવા છતાં આ વિસ્તારના રહીશોને વર્ષોવર્ષથી સુવિધાના નામે કોઈપણ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવતી નથી.જેને લઈને ડ્રેનેજ,પીવાના પાણી, રસ્તા,ગંદકી,સફાઈ સહિતની સમસ્યાઓ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા વિરોધ પ્રદર્શન કરાયું હતું.

તાંદલજામાં રોડ પરના ભૂવામાં ટ્રક ફસાઈ

વડોદરા શહેર પહેલ વહેલા નજીવા વરસાદથી જ ખાડા અને ભુવા નગરીમાં પરિવર્તિત થઇ ગયેલ છે.શાસકો અને તંત્રના અધિકારીઓની વ્યાપક ભ્રષ્ટાચારની ભૂખનો ખાડો પૂર્વાને માટે હલકી અને નિમ્ન કક્ષાની કામગીરી કરનાર ઇજારદારો અને એમાં આંખ આડા કાન કરનાર અધિકારીઓના પાપે નજીવા વરસાદમાં ઠેરઠેર ખાડા અને ભુવા પડી ગયા છે.આવા જ તાંદલજા મુખ્ય માર્ગ પાર પડેલા ભુવામાં એક ટ્રક ફસાઈ ગઈ હતી.સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.

સરસિયા તળાવ પાસે મુસ્લિમો એકત્રિત થતાં પોલીસ ધસી આવી

વડોદરા સરકાર દ્વારા ગણેશ વિસર્જન અને તાજિયા વિસર્જન તળાવોમાં કરવા માટે પ્રતિબંધ મુકાયો હોવા છતાં આજે સરસિયા તળાવના કિનારે મુસ્લિમો એકત્ર થયા હોવાની જાણકારીના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સરસિયા તળાવ ધસી ગયો હતો. જાે કે, ત્યાં હાજર મુસ્લિમોએ તાજિયા ઠંડા કરવા માટેની વિધિ માટે જરૂરી સરસિયા તળાવનું માત્ર પાણી લેવા આવ્યા હોવાનું જણાવતાં પોલીસ તંત્રે રાહતનો દમ લીધો હતો. તેમ છતાં અન્ય કોઈ લોકો આવી પ્રવૃત્તિ કરે નહીં એની સાવચેતીના ભાગરૂપે વારસિયા પીઆઈ અને સિટી પીઆઈએ હાજર ટોળાને વિખેરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો. એ જ પ્રમાણે ગણેશ વિસર્જનના દિવસે પણ શહેરના દરેક જળાશયો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો આવશે એમ સૂત્રોએ જણાવી સરકારના જાહેરનામાનો ચુસ્ત અમલ કરવા અપીલ કરી છે.

બસમાં હુમલો કરનારને છ માસની કેદ

વડોદરા  તરસાલી પોલીસચોકી પાસે આવેલા ગાયત્રીનગરમાં રહેતા નરેશ કાંતિલાલ ઝાલાએ ગત ૧૮-૮-૧૭ના રાત્રે પોણા બાર વાગે ચકલી સર્કલ પાસે શાહ ટ્રાવેલ્સની બસમાં બેઠેલા જશવંતભાઈ સોલંકીને તમે બસ ઉપાડવાનું કેમ કહેલું ? તેમ કહીને તેમની સાથે બોલાચાલી કરી હતી અને તેમને અપશબ્દો બોલી ફેંટ મારીને ડાબા આંખ પર ઈજા પહોંચાડી હતી. આ બનાવની જશવંતભાઈએ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરેશ ઝાલા સામે ગુનો નોંધ્યો હતો. આ કેસ અત્રેની સેકન્ડ એડી.જ્યુ.મેજી. બી એમ ગઢિયાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એમ કે દવેની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી નરેશ ઝાલાને છ માસની સાદી કેદની સજા અને એક હજારનો દંડ ફટકાર્યો હતો અને દંડ ન ભેર તો દોઢ માસની સજા ભોગવવાનો આદેશ કર્યો હતો.

કચરો ફેંકવાના પ્રશ્ને માર મારતા પતિ વિરુદ્ધ વકીલ પત્નીની ફરિયાદ

વડોદરા માણેજા ક્રોસીંગ પાસે આવેલા સંસ્કાર ટેનામેન્ટમાં રહેતા ૪૦ વર્ષીય સંધ્યાબેન વ્યવસાયે વકીલ છે. તેમણે મકરપુરા પોલીસ મથકમાં તેમના પતિ પ્રેમ મદનમોહન શ્રીવાસ્તવ સામે ફરિયાદ નોંધાવી હતી કે હું મારા પતિ, વૃધ્ધ સાસુ અને એક પુત્ર સાથે રહું છું તેમજ મારા પતિ માર્કેટીંગનો કામધંધો કરે છે. મારે પતિ સાથે લગ્નના શરૂઆતથી અણબનાવ હોઈ મે ૨૦૧૦માં મારા પિયર જઈ જમશેદપુર કોર્ટમાં પતિ વિરુધ્ધ કેસ કર્યો હતો જેમાં સમાધાન થતા હું સાસરીમાં પરત આવી હતી અને ૨૦૧૮માં અત્રે દિવાળીપુરા કોર્ટમાં ડોમેસ્ટીક કેસ કર્યો હતો જે ચાલુ છે જેના કારણે ઘરમાં અવારનવાર અણબનાવ થાય છે. આજે સવારે હું ઘરના કમ્પાઉન્ડમાં કપડા ધોતી હતી તે વખતે મારા પતિએ મારી તરફ ઘરનો કચરો ફેંક્યો હતો જે મુદ્દે અમારી બોલાચાલી થતાં પતિએ મને અપશબ્દો બોલી ઉશ્કેરાઈને લાફા માર્યા હતા અને હું રડતા મને‘ ચુપ થઈ જા મોંઢુ બંધ રાખ’ તેમ કહી ફરીથી ડાબા ગાલે મુક્કો માર્યો હતો જેથી મને સોજાે આવતા હું ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે એસએસજીમાં આવી છું.

ડીઝલચોરની ખોટી માહિતી આપતાં અટક

વડોદરા  ગોરવા પોલીસને ગત મોડી સાંજે ૪૩ વર્ષીય ધર્મેન્દ્ર પ્રભાતસિંહ ગોહિલે (સંતોષનગર, સુભાનપુરા) મોબાઈલ ફોનથી એવી માહિતી આપી હતી કે સંતોષનગર હાઈટેન્શન લાઈનરોડ પર જયશ્રી લક્ષ્મીવિલાસ ઈન્ફોટેકની સામે એક છોકરો કોર્પોરેશનની ગાડીઓનું ડિઝલ ચોરીને વેંચવા માટે આવે છે. આ વિગતોના પગલે ગોરવા પોલીસે તુરંત ઉક્ત સ્થળે દોડી જઈ કથિત ડિઝલચોર યુવકની શોધખોળ કરી હતી પરંતું તેનો પત્તો નહી લાગતા પોલીસે આ માહિતી આપનાર ધર્મેન્દ્ર ગોહીલનો સંપર્ક કર્યો હતો જેમાં તેણે દેશી દારૂનો ચિક્કાર નશો કરીને બોગસ માહિતી આપી હોવાની વિગતો મળતા પોલીસે તેની નશાબંધીના ગુનામાં અટકાયત કરી હતી.

પોલીસ કાર્યવાહીની અદાવતે યુવકને ધમકી

વડોદરા  સાવલી તાલુકાના પોઈચાચોકડી પાસે રહેતા જીવદયા કાર્યકર વિક્રમ ભરવાડે બે દિવસ અગાઉ કતલખાને લઈ જવાતા ઢોરો ભરેલો ટેમ્પો પકડીને પોલીસને સોંપ્યો હતો. દરમિયાન ગઈ કાલે તેમને જશરાજસિંહ (સાવલી તાલુકાના ઘંટીયાળ ગામ) અને તેના મામા ગપાભાઈ (કનોડાગામ, સાવલી)એ તેમને ફોન કરીને કનોડા ગામે ભાગોળમાં ભરવાડોએ ધમકી આપી હતી કે તે અમારી ગાડી પોલીસમાં પકડાવી છે, અમે તને જાેઈ લઈશું, કોર્ટમાં ધક્કા ચાલુ થશે, તું મને ઓળખતો નથી મારે તમામ જાેડે પહોંચ છે મારા છેડા બહુ લાંબા છે. મામા-ભાણિયાએ વિક્રમ તેમજ અનિલ ભાટિયાની પોલીસ સ્ટેશન સામે કાપી નાખી મારી નાખવાની ધણકી આપી હતી.

જેલમાં મહિલા કેદીનો ગળાફાંસો

વડોદરા  મૂળ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ બાવળી ગામે રહેતા કોકિલાબેન રાજપૂત(ઉં.વ.૪૮)ને ૧૦ માર્ચ ૨૦૦૬ના રોજ આજીવન કેદની સજા આપવામાં આવી હતી. તેઓ મહિલા જેલ વિભાગમાં આવેલ સેપરેટ યાર્ડની બેરેક નં.૧ માં પોતાની સાડી વડે ગાળિયો બનાવીને પંખા સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો.

અનગઢની સીમમાં ૬ જુગારિયા ઝડપાયા

વડોદરા  અનગઢ ગામમાં આવેલા નવાપુરા સીમ વિસ્તારની ખુલ્લી કોતરમાં ગત મોડી સાંજે કેટલાક યુવકો જાહેરમાં જુગાર રમતા હોવાની જાણ થતાં નંદેસરી પોલીસે ઉક્ત સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા ઝડપાયેલા અનગઢગામના વતની ભઈલાલ ઉર્ફ મથુર મોતીભાઈ ગોહિલ, હિંમત અમરસિંહ ગોહિલ, ગોકુલ અંબાલાલ ગોહિલ, મહેન્દ્ર ભઈલાલભાઈ ગોહિલ, રમેશ કાનજીભાઈ ગોહિલ અને સંજય અંબાલાલ ગોહિલની પોલીસે અટકાયત કરી તેઓની પાસેથી રોકડા ૬૦૩૦ કબજે કર્યા હતા.

મહિલા જેલ પાસે મગરના બચ્ચાનું રેસ્કયૂ

વડોદરા  ચોમાસાની ઋતુમાં નદી-નાળાં, તળાવોમાં પાણી વધતાં મગરો બહાર આવવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે વહેલી સવારે વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ફોન આવ્યો હતો કે મહિલા જેલના ગેટની સામેના ભાગમાં એક મગર આવી ગયો છે. આ અંગેની જાણ થતાં સંસ્થાના કાર્યકર કિરણ સપકાળ અને વિશાલ મકવાણા તુરંત પહોંચી ગયા હતા અને જેલના કંપાઉન્ડમાં આવી ગયેલા ત્રણ ફૂટના મગરના બચ્ચાંને રેસ્કયૂ કરીને વન વિભાગના હવાલે કર્યંુ હતું.

ડમ્પરની અડફેટે ઈજાગ્રસ્ત વૃધ્ધાનું મોત

વડોદરા  શહેર નજીક આવેલા રાયપુરામાં માદરીયા મહોલ્લામાં રહેતા ૬૦ વર્ષીય પશીબેન પુનમભાઈ ચુનારાગઈ કાલે સવારે રાયપુરા ચોકડી પાસે મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. તે મંદિર પાસે રોડના કિનારે ઉભા હતા તે સમયે તેમને એક હાઈડ્રો ડમ્પરના ચાલકે અડફેટે લઈ ફરાર થયો હતો. આ અકસ્માતમાં તેમના પેટ અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ૧૦૮ એમ્બ્યુલન્સમાં બેભાનવસ્થામાં સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં સારવાર દરમિયાન તેમનું ગત સાંજે મોત નિપજયું હતું.