ભાઇ બહેન નું કારસ્તાન, બાયોડિઝલના બહાને વેપારીઓ સાથે ઠગાઇ કરતા અને પછી થયુ એવું કે..
25, જુન 2021

અમદાવાદ

અમદાવાદમાં ઈન્દોરથી ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરનો રખિયાલ પોલીસે પર્દાફાશ કર્યો છે. બાયો ડીઝલ આપવાના બહાને મોટા વેપારીઓ સાથે ઠગાઈ આચરતુ કોલ સેન્ટર ઝડપાયું છે. રખિયાલ પોલીસે ઈન્દોરથી કોલ સેન્ટર ચલાવતા બે આરોપીઓની ધરપકડ કરી છે. તે ઉપરાંત અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસે ઝડપેલા બે આરોપી સગા ભાઈ અને બહેન છે. હાલ આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રખિયાલ પોલીસે પકડેલા નીરજ તિવારી અને રીટા તિવારી બન્ને ભાઇ-બહેન બોગસ કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડ છે. ઇન્દોરમાં બનાવટી વેબ સાઈટ ઇન્ટર ગ્લોબલ રિસોર્સિસના નામનું બોગસ કોલ સેન્ટર શરૂ કર્યું હતુ. જે કોલ સેન્ટરનો મુખ્ય ફરાર આરોપી નાગેશકુમાર કટારીયા છે.પકડાયેલ બન્ને આરોપી કોલ સેન્ટરમાં કોલર તરીકે કામ કરતા હતાં અને ઠગાઇનાં પૈસા તેમના બેંક ખાતામાં જમા થતા હોવાનું સામે આવ્યુ છે.

બોગસ કોલ સેન્ટરની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપીઓ બાયો ડીઝલનો જથ્થો સસ્તા ભાવે આપવાના બહાને ઠગાઇ આચરતા હતાં. જેમાં વેપારીઓ વેબસાઈટ મારફતે સંપર્ક કરે ત્યાર બાદ પકડાયેલ આરોપી રીતા તિવારી વેપારી સાથે વાતચીત કરી વિશ્વાસમાં લઈને પૈસા બેંકમાં જમા કરાવી ઠગાઇ કરતી હતી. બાયો ડિઝલનો સોદો નક્કી કર્યા બાદ વેપારીને શંકા ના જાય તે માટે બાયો ડીઝલનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે જતો હોવાની રસીદ અને વીડિયો પણ મોકલવામાં આવતો હતો.

આરોપી દ્રારા બનાવટી વેબસાઈટ પર અમદાવાદની રખિયાલની કંપની સરનામું લખ્યું હતું. જેનાથી લોકો વિશ્વાસમાં આવી જાય અને બાયો ડીઝલની ખરીદી કરવા તૈયાર થઈ જાય. રખિયાલ પોલીસને છેતરપિંડીની એક અરજી આવી હતી. જેમાં ભાવનગરના વેપારી સાથે ૪૬ લાખ રૂપિયાની છેતરપીંડી થઈ હતી. જેની તપાસ કરતા રખિયાલ પોલીસ ઇન્દોર બોગસ કોલ સેન્ટરના તાર મળ્યા અને પોલીસે બે આરોપી ધરપકડ કરી હતી. ૧૦ લાખ રૂપિયા બેંકમાં ફ્રિઝ કરી દીધાં હતાં. અન્ય મુખ્ય આરોપી સહીત ૧૦ ફરાર આરોપી પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution