BTP-AIMIM બન્નેવ ગાંડા, ઓવૈસી બોલવામાં મર્યાદા રાખેઃ મનસુખ વસાવા
09, ફેબ્રુઆરી 2021

રાજપીપળા-

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીટીપીએ એઆઈએમઆઈએમ સાથે ગઠબંધન કર્યું છે. ભરૂચ અને અમદાવાદ ખાતે બીટીપીના છોટુભાઈ વસાવા અને એઆઈએમઆઈએમ અસદુદ્દીન ઓવૈસીએ જાહેરસભા સંબોધી ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. એઆઈએમઆઈએમ અસદુદ્દીન ઓવૈસીએ બન્નેવ જાહેરસભામાં ભાજપ અને નરેન્દ્ર મોદી તથા અમિત શાહ વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કર્યો હતો અને એમની પર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. એઆઈએમઆઈએમ અસદુદ્દીન ઓવૈસીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે ગુજરાત છોટુભાઈ વસાવાનું છે નરેન્દ્ર મોદી કે અમિત શાહનું નહિ. અસદુદ્દીન ઓવૈસીના આ નિવેદન બાદ ખળભળાટ મચ્યો હતો.

ત્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ એઆઈએમઆઈએમ અસદુદ્દીન ઓવૈસીને બોલવામાં મર્યાદા રાખવાની સલાહ આપી હતી. એમણે જણાવ્યું હતું કે બીટીપી-એઆઈએમઆઈએમ તો ગાંડા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીટીપી-એઆઈએમઆઈએમ ગઠબંધન વિશે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે એ ગઠબંધનથી કોંગ્રેસને ખૂબ મોટું નુકશાન જશે ભાજપને કોઈ જ ફરક નહિ પડે. એમણે વધુમાં જણાવ્યું હતું કે બીટીપી-એઆઈએમઆઈએમ અલગતાવાદી વિચારધારા ધરાવતી પાર્ટી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ બન્નેવ પાર્ટીનું અસ્તિત્વ ખતમ થઈ જશે, બીટીપી-એઆઈએમઆઈએમ ની કોઈ હેસિયત નથી કે ભાજપને ચૂંટણીમાં હરાવી શકે.

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે બીટીપી અને અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમ બંને ગાંડા છે. તેઓ આવનારી ચૂંટણીમાં હાંસિયામાં ધકેલાઈ જશે. અસદુદ્દીન ઓવૈસીએ ભરૂચમાં જાહેરમાં એમ કહ્યું હતું કે ગુજરાત તો ગાંધીનું અને છોટુભાઈ વસાવાનું છે, નરેન્દ્ર મોદી કે અમિત શાહનું નથી. ત્યારે આ મામલે મનસુખ વસાવાએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી વિશ્વફલકના નેતા છે, છોટુભાઈ સીમિત છે તેઓ હજુ ઝઘડિયાથી બહાર નીકળી નથી શકતા. અસદુદ્દીન ઓવૈસીએ બોલવામાં મર્યાદા રાખવી જાેઈએ.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution