દેશના પ્રથમ કેવડિયા ગ્રીન રેલવે સ્ટેશનના છાપરાં ઊડયાં
18, મે 2021

રાજપીપળા : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭ મી જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ કરી ગુજરાતને વધુ એક ભેટ આપી હતી.એ જ દિવસે મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જાેડતી ૮ ટ્રેનોને લીલી ઝંડી પણ આપી હતી.પરંતુ તાઉ-તે વાવાઝોડાએ કેવડિયા રેલ્વે સ્ટેશનના તકલાદી બાંધકામની પોલ ખોલી નાખી હતી.તાઉ-તે વાવાઝોડાને લીધે કેવડિયા રેલ્વે સ્ટેશન પર ૩૦૦ ફૂટ ઉપર લગાવેલા પતરા ટપો ટપ નીચે પડવા લાગ્યા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સામાન્ય લોકો રેલ્વે માર્ગે આવી શકે એ માટે કેવડિયા ખાતે ૬૬૩ કરોડના ખર્ચે બનેલું દેશનું સૌ પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનનું નિર્માણ થયા બાદ ૧૭ મી જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ એનું ઈ-લોકાર્પણ વડા પ્રધાન મોદીએ કર્યું હતું.જાે કે કેવડિયા રેલ્વે સ્ટેશનનું કામ ખુબ ઝડપી રીતે કરવામાં આવ્યુ હતુ, જાેત જાેતામાં રેલ્વે સ્ટેશન બની પણ અને લોકાર્પણ પણ થઈ ગયું.હવે તાઉ-તે વાવા ઝોડું હજુ તો ગુજરાતમાં પ્રવેશ્યું પણ નથી એની માત્ર અસર વર્તાઈ રહી છે.તૌકત વાવાઝોડાની અસર માત્ર દેશના પ્રથમ ન્યુ ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશન વેઠી શક્યું નહિ અને વાવાઝોડું આવતા વેંત ૩૦૦ ફૂટ ઉપર ડોમમાં નીચેના ભાગે લગાવેલ પતરા ખરવા માંડ્યા અને પવનમાં ઉડવા લાગ્યા.જાેકે સદનસીબે ત્યાં પ્રવાસીઓ ન હોવાથી જાનહાની થઈ નથી.આ ઘટનાની જાણ થતા જ ગરુડેશ્વર મામલતદાર સહિત ડિઝાસ્ટરની ટિમો અને રેલ્વે વિભાગની પોલીસની અને કેવડિયા પોલીસ ટિમો પણ દોડી આવી હતી.

દેશના પ્રથમ ગ્રીન બિલ્ડીંગ રેલ્વે સ્ટેશન બન્યાને હજુ થોડા મહિનાઓ જ થયા છે.ત્યારે સામાન્ય પવનમાં જાે એના પતરા ઉડી જતા હોય ત્યારે રેલ્વે સ્ટેશન નિર્માણ કાર્યના ગુણવત્તા પર પણ પ્રશ્ન સર્જાઈ રહ્યો છે.જાે કોઈ પેસેન્જરો હોત અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો એનો જવાબદાર કોણ.ઉતાવળે કરાયેલી કામગીરીમા આ પતરા માત્ર ચોંટાડી રાખ્યા હશે, યોગ્ય રીતે ફિટીંગ ના કરાયા હોવાથી આ ઘટના ઘટી હોવાનું ચોક્કસ કહી શકાય.જાે નિર્માણ કાર્યમાં ગુણવત્તા પર સવાલ ઉઠતા હોય ત્યારે સરકારે રેલ્વે સ્ટેશન પાછળ ખર્ચેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા છે એમ કહીએ તો ખોટું નથી. દેશના સૌ પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશન પાછળ સરકારે ૬૬૩ કરોડનો ખર્ચ તો કર્યો પણ રેલ્વે સ્ટેશનનું પઝેશન લેતા પેહલા સરકારના અધિકારીઓએ એની ગુણવત્તા ચકાશી નહીં હોય એ આ ઘટના પરથી સાબિત થાય છે. કેવડિયા રેલ્વે સ્ટેશનના ડોમ પરથી પતરા પડવાની ઘટના મામલે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય રેલ્વે વિભાગ ગુણવત્તાની તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં ભરે એવી માંગ પણ ઉઠી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution