દિલ્હી-

ટાર્ગેટ રેટિંગ પોઇન્ટ્સ (ટીઆરપી) કેસમાં મુંબઈ હાઈકોર્ટે મંગળવારે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીએઆરસી) ના પૂર્વ સીઇઓ પાર્થો દાસગુપ્તાને 2 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર શરતી જામીન આપી દીધા છે. હાઈકોર્ટે પાર્થો દાસ ગુપ્તાને ભારતની બહાર નહીં જવાનો અને દર મહિનાના પ્રથમ શનિવારે મુંબઈ ક્રાઈમ બ્રાંચ પોલીસ સમક્ષ હાજર થવાનો આદેશ પણ જારી કર્યો છે.

મુંબઈ ક્રાઈમ બ્રાંચ પોલીસે 24 ડિસેમ્બર 2020 માં ટીઆરપી કૌભાંડ કેસમાં પાર્થો દાસગુપ્તાની ધરપકડ કરી હતી. પાર્થો દાસ ગુપ્તાના વકીલે આ કેસમાં હાઇ કોર્ટમાં જામીન અરજી કરી હતી. ન્યાયાધીશ પી.ડી. નાયકે બે અઠવાડિયા પહેલા આ કેસની સુનાવણી પૂર્ણ કરી હતી અને નિર્ણય બાકી રાખ્યો હતો. મંગળવારે ન્યાયાધીશ પી.ડી. નાયકે પાર્થો દાસગુપ્તાને શરતી જામીન આપી દીધા છે.

મળતી માહિતી મુજબ મુંબઈ ક્રાઈમ બ્રાંચે દાસગુપ્તા પર રિપબ્લિક ટીવી અધિકારીઓ સાથે મળીને ટીઆરપી રેટિંગમાં હેરાફેરી કરવાનો આરોપ મૂક્યો હતો. દાસગુપ્તા જૂન 2013 થી નવેમ્બર 2019 સુધી બીએઆરસીના સીઈઓ હતા અને તેના પર 12,000 ડોલર અને રૂપિયા લેવાનો આરોપ હતો.. આ સાથે, દાસગુપ્તા પર રિપબ્લિક ટીવીના સંપાદક-ચીફ અર્ણવ ગોસ્વામી પાસેથી તેમની ચેનલ માટે ટીઆરપીની હેરાફેરી કરવા માટે 40 લાખ રોકડા લેવાનો આરોપ છે.