ગોધરા-

ઘોઘંબાના એક રાજકીયા અગ્રણીના ઘરના પરિવારના સભ્ય અને જીમ ટ્રેઇનર તરીકે જાણીતો આ યુવાન ચહેરા પોતાની વૈભવી સ્વીફટ કારમાં એક ચાની લારી વાળાને બેસાડીને ભારતીય ચલણમાંથી રદ્દ કરવામાં આવેલ લાખ્ખો રૂા.ની ચલણી નોટોનો જથ્થો લઇને ગોધરામાં સોદો કરવા આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીઓ સાથે ગોધરા બી.ડીવીઝનના પોલીસ સકંજામાં રંગે હાથ ઝડપાઇ જતા પંચમહાલ જિલ્લાના રાજકીય મોર્ચે પણ ભારે ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે. ઘોઘંબાના આ રાજકીય ઘરાના પરિવારના યુવાન પાસેથી ભારતીય ચલણમાંથી રદ્દ કરવામાં આવેલ ૧૬.૬૧ લાખ રૂા.ની ચલણી નોટોનો જંગી જથ્થો ઝડપાયો છે.

ઘોઘંબામાં તાજેતરમાં જ અદ્યતન જીમનો કારોબાર શરૂ કરનાર અને રાજકીય પરિવારના ઘરના સદસ્ય ધનરાજ નરેન્દ્રસીંહ પરમાર અને ચાની લારી ચલાવતા કેતન મૂળજીભાઇ સુખડીયા આ બંને જી.જે.૦૬.એફ.કે.૦૪૧૪ નંબરની સ્વીફટ કારમાં ગોધરા તરફ આવી રહ્યા છે અને આ કારમાં ભારતીય ચલણમાંથી રદ્દ કરવામાં આવેલ લાખ્ખો રૂા.ની ચલણી નોટોના જંગી જથ્થાનો સોદો કરવાની પેરવીઓમાં હોવાની ચોક્કસ બાતમી ગોધના બી.ડીવીઝનના પી.આઇ.કે.પી.જાડેજાને મળતા વેંત આ કારને પોલીસ તંત્ર દ્વારા ઘેરાબંધી કરીને ઝડપી લેવામાં આવી હતી. ગોધરા બી.ડીવીઝનના પી.આઇ.કે.પી.જાડેજા દ્વારા વૈભવી કારમાં છુપાયેલ આ ભારતીય ચલણમાંથી રદ્દ કરવામાં આવેલ ૧૦૦૦ રૂા.ના દરની ૫૬૧ અને ૫૦૦ રૂા.ના દરની ૨૨૦૦ નોટો સાથે ૧૬.૬૧ લાખ રૂપિયાના મૂલ્યની આ રદ્દ થયેલી નોટોનો જંગી જથ્થો જપ્ત કરીને ઘોઘંબાના આ ભેજાબાજ નબીરો ધનરાજ નરેન્દ્રસીંહ પરમાર અને ચા ની લારી ધરાવતા કેતન મૂળજીભાઇ સુખડીયાની કાયદેસર ધરપકડ કરવામાં આવી હોવાનું ડી.વાય.એસ.પી.એચ.એન.કણસાગરાએ જણાવ્યું હતું.ગોધરા માંથી અગાઉ અંદાજે ૪ કરોડ જેટલા મૂલ્યની રદ્દ કરવામાં આવેલ ચલણી નોટોનો જથ્થો ઝડપાયો હતો એમાં એ.ટી.એસ.ના અધીકારીઓની તપાસોમાં આ બહાર આવેલા રહસ્યોમાંં સુરત કનેકશન બહાર આવ્યું હતું પરંતુ ૨૦૧૬માં ભારતીય ચલણમાંથી રદ્દ કરવામાં આવેલ આ ચલણી નોટોના ગેરકાયદે વ્યાપારની હેરાફેરીમાં સોદાગરો કોણ હશે? અને આ નેટવર્કના રહસ્યોમાં રદ્દ થયેલી ચલણી નોટોના નાણા કેવી રીતે અને કોણા દ્વારા ચૂકવવામાં આવે છે આ રહસ્યની ચર્ચાઓ વચ્ચે હાલોલ બાદ ગોધરામાંથી આજે રદ્દ થયેલ લાખ્ખો રૂપિયાની ચલણી નોટોના જથ્થા સાથે ખાનદાન ઘરાનાનો ચહેરો ઝડપાઇ જતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.