દિલ્હી-

દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ડરની વચ્ચે કોવિડ રસીકરણ અભિયાનમાં રોજ સરેરાશ ૪૦ લાખથી વધુ લોકોનું વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. બુધવાર સાંજ સુધીમાં ૫૨ લાખ ૩૬ હજારથી વધુ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. રાહતની વાત એ છે કે કોરોના સંક્રમિત થતા લોકોની સામે રિકવરી રેટમાં પણ સુધારો આવ્યો છે જેથી રોજ મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા ૫૦૦ની અંદર રહે છે. ગુરૂવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૧,૧૯૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.

આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૯૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૨૦,૭૭,૭૦૬ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૫૨,૩૬,૭૧,૦૧૯ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. મંગળવારના ૨૪ કલાકમાં ૪૪,૧૯,૬૨૭ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. વિશેષમાં, કોરોના વાયરસ મહામારી સામે લડીને ૩ કરોડ ૧૨ લાખ ૬૦ હજાર ૫૦ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૯,૦૬૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૪૫ ટકા છે. હાલમાં ૩,૮૭,૯૮૭ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૨૯,૬૬૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. દેશમાં હાથ ધરવામાં આવતા કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૧ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૮,૭૩,૭૦,૧૯૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના ૨૪ કલાકમાં ૨૧,૨૪,૯૫૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બીજી તરફ, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૬ નવા કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ પાંચમા દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં હાલ ૧૯૪ એક્ટિવ કેસ છે અને ૩ દર્દી વેન્ટિલેટર પર છે.