CBSE ધો. 12નું પરિણામ જાહેર, શહેરની મોટાભાગની શાળાનું પરિણામ ૧૦૦ ટકા
13, મે 2025 વડોદરા   |  

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આજરોજ ધો. ૧૨નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર જિલ્લામાં સીબીએસઇ સાથે સંકળાયેલી કુલ ૫૪ સ્કૂલના વિદ્યાર્થીઓનું આજરોજ પરિણામ જાહેર થયું હતું. જેમાંથી મોટાભાગની શાળાનું પરિણામ ૧૦૦ ટકા હોવાનું જાણવા મળે છે.

વડોદરા શહેર જિલ્લાની સીબીએસઇ સંલનગ ૫૪ શાળાનું આજરોજ પરિણામ જાહેર થયું હતું. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાંથી અંદાજે ૬૦૦૦ જેટલા વિદ્યાર્થી ધો. ૧૨ની પરીક્ષા આપી હતી. જ્યારે ધો. ૧૦માં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે ૧૦૦૦૦ કરતાં વધારે છે. હાલમાં સેન્ટ્રલ બોર્ડ દ્વારા માત્ર ધો. ૧૨નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

સેન્ટ્રલ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામ અનુસાર ધોરણ ૧૨નું પરિણામ ૮૯.૩૯ ટકા છે. જે ગત વર્ષ કરતાં વધારે છે. ગત વર્ષે ધો. ૧૨નું પરિણામ ૮૭.૯ ટકા રહ્યું હતું. વર્ષ ૨૦૨૪-૨૫ ૭૮૪૨ પરીક્ષા કેન્દ્રો અને ૨૬ આંતરરાષ્ટ્રીય સ્થળોએ બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં ૪૨ લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨૪.૧૨ લાખ વિદ્યાર્થી ધોરણ ૧૦ના અને ૧૭.૮૮ લાખ વિદ્યાર્થી ધોરણ ૧૨ના હતા. ધોરણ 10ની પરીક્ષાઓ ૧૫ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ, ૨૦૨૫ દરમિયાન યોજાઈ હતી. જ્યારે ધોરણ ૧૨ની પરીક્ષા ૪ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પૂર્ણ થઈ હતી. બધી શાળાઓએ ૧૪ ફેબ્રુઆરી સુધીમાં પ્રેક્ટિકલ માર્ક્સ સબમિટ કરી દીધા હતા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution