અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના બાયપાસ રોડ દિલ્હીથી મુંબઈ જતા ભારદારી વાહનચાલકો અને અન્ય વાહનચાલકો પસાર થતા હોવાથી સતત દિવસ-રાત ભારે ટ્રાફિક રહે છે. અહીંથી વાહનચાલકો પુરઝડપે પસાર થતા હોવાથી બાયપાસ રોડ પર સર્કલના અભાવે વારંવાર અકસ્માતની ઘટનાઓમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડતા લોકોએ સર્કલ બનાવવા અનેક વાર રોડ પર ચક્કાજામ પણ કર્યો હતો. મોડાસાની વિવિધ સેવાકીય સંસ્થો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી આવેદનપત્ર આપવાની સાથે જવાબદાર તંત્ર અને વહીવટી તંત્ર સહીત રાજ્યકક્ષાએ અનેકવાર રજુઆત કરવામાં આવી છે. આખરે મોડાસા શહેરના બાયપાસ રોડ પર ૪ જગ્યાએ સર્કલ બનાવવાની માંગને સ્વીકારવામા આવી હતી.તંત્ર દ્વારા સર્વે સહિતની કામગીરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કર્યા બાદ સર્કલ બનાવવાની કામગીરી ટલ્લે ચઢી હતી. દરમિયાનમાં ગઇકાલે સોમવારે સવારે સહયોગ ચોકડી નજીક એક્ટિવાચાલક દંપતીને ટ્રકે અડફટે લેતા ગર્ભવતી યુવતીનું મોત થયું હતું. જેના પગલેવધુ એક વાર સર્કલ બનાવવાની માંગ સાથે લોકોએ સહયોગ ચોકડી પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો ચક્કાજામના પગલે પોલીસ તંત્ર ઘટનાસ્થળે પહોંચી લોકોને સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.