કાઠમાંડુ, તા. ૮

કોરોના મહામારીનો ગેરફાયદો ઉઠાવીને હવે ચીન નાના-નાના પાડોશી દેશોને ડરાવી ધમકાવીને પોતાની વેક્સિન પોલીસીને આગળ ધપાવવા માંગે છે. રવિવારે કાઠમાંડુમાં નેપાળી મિડિયાએ કેટલાક સરકારી દાસ્તાવેજાેને ટાંકીને હેવાલ આપતાં આ બાબતનો ઘટસ્ફોટ થઈ ગયો હતો. આ હેવાલ પરથી ખબર પડી હતી કે, ચીન નેપાળ પર એવું દબાણ કરી રહ્યું છે કે, તે ચીન પાસેથી સાયનોવેક નામની કોરોના રસી લે. આ મિડિયાએ ત્યાં સુધી કહ્યું છે કે, ચીન નેપાળ પર ત્યારથી દબાણ કરી રહ્યું છે, જ્યારે તેની પાસે રસીને પ્રમાણિત ગણાવવા માટે પૂરતો ડેટા પણ નહોતો અને તેને હજી માન્યતા પણ નહોતી મળી.

ચીની વિદેશમંત્રીએ ફોન કર્યો


સમાચારપત્રોએ નેપાળી મિડિયાના હવાલાથી આ માહિતી આપી હતી. આ હેવાલ મુજબ, ચીનની સાયનોફાર્મ કંપની સાયનોવેક નામની કોરોના રસી બનાવી રહી છે. જાે કે, આ રસી કેટલી અસરકારક છે, એ બાબતે હજી સવાલ છે.શુક્રવારે ચીનના વિદેશમંત્રી વાંગ યીએ નેપાળના વિદેશમંત્રી પ્રદીપ જ્વાલીને ફોન કરીને દબાણ કરતા કહ્યું હતું કે, તેઓ ચીનની વેક્સિનને મંજૂરી આપી દે. નવાઈની વાત એ છે કે, તેમણે પહેલા મંજૂરીની માંગ કરી હતી અને કહ્યું કે તેની વિગતો પછી અપાશે.

વેક્સિન માટે રાહ જાેવી પડશે


નેપાળ ખાતેના ચીની દૂતાવાસ પર નેપાળની રાજનીતિમાં દખલ કરવાનો આક્ષેપ લાગતો રહ્યો છે. હવે એવા દાસ્તાવેજાે મળ્યા છે, જેનાથી બહાર આવ્યું હતું કે, આ દૂતાવાસે નેપાળના નેતાને ચેતવણી આપી હતી કે તે ઝડપથી ચીની રસીને મંજૂરી આપી દે, નહીં તો નેપાળે રસી માટે લાંબો સમય સુધી રાહ જાેવી પડશે. આ પ્રકારના દાસ્તાવેજાે લીક થઈ ગયા હતા.

દાસ્તાવેજાે સાચા હોવાનું સરકારે કહ્યું

જે દાસ્તાવેજાે બહાર પડી ગયા છે તે સાચા હોવાનું સરકારે કહ્યું હતું. ચીન સરકારે આ બાબતે કશું નહોતું કહ્યું. માત્ર ચીન જ નહીં પાકિસ્તાન અને દુનિયાના અનેક દેશોમાં ચીનની રસી પર સવાલો ઉઠાવાઈ રહ્યા છે. આ બાબતે ગૂંચવાડો એટલા માટે છે, કેમ કે, ગયા ગુરુવારે નેપાળ સરકારે ચીનને લખી જણાવ્યું હતું કે, તે રસી અંગેની માહિતી નેપાળ સરકારને આપતું નથી. ૩૧મી જાન્યુઆરીએ ચીની દુતાવાસે કહ્યું હતું કે, તે નેપાળને રસીના ૩ લાખ ડોઝ આપશે. ભારત અને બ્રિટન નેપાળને અગાઉથી જ બે-બે લાખ ડોઝ મોકલી ચૂક્યા છે. બ્રાઝિલમાં સાયનોવેકની અસરકારકતા માત્ર ૫૦.૪ ટકા જ મપાઈ હતી અને ત્યારબાદ ત્યાં તેની ટ્રાયલ બંધ કરી દેવાઈ હતી.