વડોદરા-

શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી લઇને સાંજ સુધી અનેક બેરોજગાર મજૂરો રોજગારી માટે ઉભા રહેતા હોય છે. શહેરના મકરપુરા સુસેન ચાર રસ્તા પાસે કોન્ટ્રાક્ટના મુદ્દે મજુરોના બે જૂથો વચ્ચે હથિયારો વડે સામસામે અથડામણ થતાં ભાગદોડ મચી ગઇ હતી. જેમાં કેટલીક મહિલા મજૂરો પણ રણચંડી બની હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં સુસેન ચાર રસ્તા પાસે રોજ સવારે અસંખ્ય મજૂરો બાંધકામની પ્રવૃત્તિમાં રોજગારી મેળવવા ઉભા રહેતા હોય છે. શહેરના મકરપુરા સુસેન ચાર રસ્તા પાસે મજૂરો ટોળે વળીને અલગ-અલગ ગ્રુપમાં ઊભા હતા. ત્યારે અચાનક બે જૂથ વચ્ચે લાકડીઓ અને મારક હથિયારો વડે એકબીજા પર હુમલો કરવાની શરૂઆત કરી હતી. જેથી મજૂરોમાં ભાગદોડ મચી ગઇ હતી. મજૂરો વચ્ચે થયેલી જૂથ અથડામણ અંગે કોન્ટ્રાક્ટના કામને લઈ મજૂરોના બે જૂથ વચ્ચે વિવાદ થયો હોવાનું બહાર આવ્યું છે. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ મજુરોના બે જૂથોને છૂટા પાડયા હતા અને મામલો શાંત પાડયો હતો. ત્યારે જાહેર રોડ પર જ મારામારીના કારણે લોકોમાં ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી.