28, જુલાઈ 2021
જમ્મુ-
જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદ થઈ રહ્યો છે. બુધવારે અમરનાથમાં અચાનક વાદળ ફાટવાથી સિંધ નદીનું જળસ્તર વધી ગયું છે. આ ઘટના બાદ એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળ માટે રવાના થઈ ગઈ છે. પરંતુ અહીં એનડીઆરએફની બે ટીમ પહેલાથી હાજર છે. અમરનાથ યાત્રા આ વખતે સ્થગિત છે અને જે સ્થળ પર દુર્ઘટના ત્યાં કોઈ યાત્રી હાજર નહતા. આ પહેલા કિશ્તવાડ જિલ્લાના એક સૂદુર ગામમાં સવારે સાડા ચાર કલાકે વાદળ ફાટવાથી સાત લોકોના મોત થયા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા. આ સાથે અનેક મકાનો, ખેતરમાં રહેલા પાક અને એક લઘુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટને નુકસાન પહોંચ્યું હતું. જમ્મુ-કાશ્મીર તંત્રના અધિકારીઓ સ્થિતિને લઈને એલર્ટ થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં કારગિલના વિભિન્ન ક્ષેત્રોમાં બે વાદળ ફાટવાથી એક લઘુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ, લગભગ 12 મકાન અને પાકને નુકસાન પહોંચ્યું છે. બીજીતરફ હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિમાં ઉદયપુરના તોજિંગ નાલામાં આવેલા પૂરમાં સાત લોકોના મોત થયા, બે લોકો ઈજાગ્રસ્ત થયા અને ત્રણ લાપતા છે.