વડોદરા, તા.ર૦

શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા છે. ત્યારે કોર્પોેરેશન દ્વારા નાલંદા ટાંકી ખાતે નવો સંપ બનાવવામાં આવ્યો અને તેનું ઉદ્‌ઘાટન ગત ડિસેમ્બર મહિનામાં મોટરો લગાડયા સિવાય મુખ્યમંત્રીના હસ્તે કરાવી દીધું. હજુ પણ આ સંપ શરૂ થયો નથી અને ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર મ્યુનિ. કમિશનર સહિત તમામને આ સંદર્ભે ગોળ ગોળ ફેરવતાં સ્થાનિક કાઉન્સિલરે રોષ

વ્યક્ત કર્યો હતો.

વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે. તેમાંય પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા સાથે અવારનવાર લીકેજીસના બનાવો બનતાં આ સમસ્યા વધુ ઘેરી બની છે. જાે કે, કોર્પોરેશન દ્વારા પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા ઓછી થાય તે માટે નાલંદા ટાંકી ખાતે નવો સંપ બનાવવામાં આવ્યો છે. પરંતુ આ સંપમાં જરૂરી મશીનરી અને પંપો લગાડયા સિવાય જ ગત ડિસેમ્બર મહિનામાં મુખ્યમંત્રીના હસ્તે ઉદ્‌ઘાટન કરાવી દેવામાં આવ્યું હતું.

જાે કે, ઉદ્‌ઘાટન થયાના લગભગ બે મહિના થવા છતાં હજુ આ સંપ શરૂ થયો નથી. દરમિયાન શનિવારે બજેટ અંગેની સામાન્યસભામાં સ્થાનિક કાઉન્સિલરે નાલંદા ટાંકીની ફીડર લાઈનમાં સર્જાયેલ લીકેજીસની જાણ કરવા છતાં અધિકારીએ કોઈ કાર્યવાહી નહીં કરતાં રોષ વ્યક્ત કર્યો હતો. જાે કે, ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર જતીન બધેકાએ નાલંદા ટાંકીના સંપ સંદર્ભે મ્યુનિ. કમિશનર સહિત તમામને ગોળ ગોળ ફેરવ્યા હોવાનું પાલિકામાં ચર્ચાઈ રહ્યું છે. જ્યારે મ્યુનિ. કમિશનરે પણ એચઓડીને સર્ટિફાઈડ કર્યાનું જણાવી સભામાં હાથ ખંખેર્યા હતા.

બજેટ સભા બાદ વાસ્તવિકતા જાણવા મેયર રાત્રે કાંસમાં ઉતર્યા ઃ ૪ સ્થળે લીકેજીસ કામગીરી હાથ ધરાઈ

વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે વરસાદી કાંસમાં પાણીની લાઈનમાં ભંગાણ અંગે દસ દિવસ પૂર્વે સ્થાનિક કાઉન્સિલર આશિષ જાેશીએ અધિકારીને જાણકારી આપવા છતાં કોઈ કામગીરી નહીં થતાં શનિવારે બજેટ અંગેની સામાન્યસભામાં કાઉન્સિલરે ઉગ્ર રજૂઆતો કરી હતી. જેને વોર્ડના અન્ય કાઉન્સિલરે સમર્થન આપી રજૂઆત કરી હતી. જાે કે, એક તબક્કે તંત્રની ઝાટકણી કાઢતાં કાઉન્સિલર, મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. બજેટની સભા પૂરી થયા બાદ રાત્રે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, મ્યુનિ. કમિશનર, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક કાઉન્સિલરો સ્થળ પર ગયા હતા અને મેયરે કાંસમાં ઉતરી વાસ્તવિકતા જાેઈ હતી. જાે કે, રાત્રિના લીકેજ જણાઈ આવ્યું ન હતું, પરંતુ કાંસમાં આગળ એક લીકેજ જણાયાનું મેયરે કહેતાં અધિકારીઓને તાત્કાલિક લીકેજ શોધીને પાણીનો બગાડ થતો હોય તો અટકાવવા સૂચના આપી હતી. આજે અધિકારીઓએ ફરી તપાસ કરતાં ઉમા ચાર રસ્તાથી ઝવેરનગર વચ્ચે કાંસમાં પાણીની લાઈનમાં ચાર સ્થળે લીકેજ જણાયું હોવાનું કાઉન્સિલર આશિષ જાેશીએ જણાવી તેના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું કહ્યું હતું.

તો મારે નાછૂટકે સીએમને રજૂઆત કરવી પડશે ઃ આશિષ જાેશી

વડોદરા કોર્પોરેશનની બજેટ અંગેની સામાન્યસભામાં વોર્ડ નં.૧પના કાઉન્સિલર આશિષ જાેશીએ પાણીની લાઈનમાં લીકેજ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નહીં થતાં તંત્ર દ્વારા કામગીરી થતી નથી, ત્યારે મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડશે. વિસ્તારના બે બે મંત્રીઓ રાજ્ય સરકારમાં છે. અધિકારીઓને અનેક રજૂઆત કરવા છતાં સાંભળતા નથી તેમ કહ્યું હતું.

તમને લાગતું હોય તો તમે સીએમને રજૂઆત કરી શકો છો ઃ મેયર

પાણીની લાઈનમાં લીકેજીસ મુદ્દે મેયર અને કાઉન્સિલર વચ્ચે શાબ્દિક ચકમક થતાં મેયરે કહ્યું હતું કે, તમે વારંવાર મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાની વાત કરો છો. તો તમે મુખ્યમંત્રી પાસે રજૂઆત કરવા જઈ શકો છો તેમાં મારે કોઈ કહેવાની જરૂર નથી તેમ કહ્યું હતું.

સંપની મોટર માટે સર્ટિફિકેટ મળ્યું નથી

પાણી પુરવઠા વિભાગ દ્વારા વિવિધ ટાંકીઓ માટે પંપો લેવામાં આવે છે. આ પંપો માટે જે તે કંપનીના સર્ટિફિકેટની જરૂર હોય છે, પરંતુ આ મોટરનું સર્ટિફિકેટ હજુ આવ્યું નથી તેમ જાણવા મળે છે. તો બીજી બાજુ પાણી પુરવઠા વિભાગના અધિકારી દ્વારા મોટર આવી ગઈ છે પરંતુ ટેકનિકલ ફોલ્ટના કારણે પરત મોકલી હોવાનું જણાવી તમામને ગોળ ગોળ ફેરવતા હોવાનું કહેવાય છે.