ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભકિત ભાવપૂર્વક આદ્યશકિત મા અંબેના દર્શન અને પૂજા અર્ચના નૂતન વર્ષમાં આજે કર્યા હતા.માતાજીના દર્શન પૂજન કર્યા બાદ મુખ્યમંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં પ્રજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, રાજય અને દેશની સલામતી સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉત્તરોતર વધારો થાય તેમજ કોરોના સંક્રમણ જલદીથી દુર થાય સૌ કોઇ આ મહામારીથી મુકત થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે કોરોના સંક્રમણમાં થોડોક વધારો થયો છે ત્યારે લોકોને આરોગ્ય સેવાઓ પૂરતા પ્રમાણમાં અને સારી રીતે મળી રહે તે માટે તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. લોકોની સલામતી અને સાવચેતીના ભાગરૂપે અમદાવાદમાં શનિ-રવિના દિવસોમાં વીક એન્ડનો કફર્યુ નાખવાનો નિર્ણય લેવાયો છે. તેમણે પ્રજાને અનુરોધ કરતા જણાવ્યું કે, ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેત રહી ગાઇડલાઇનનું પાલન કરીએ લોકોને માસ્ક પહેરવા તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને સેનેટાઇઝર કે સાબુથી વારંવાર હાથ ધોવા જેવી આદતો કેળવવા મુખ્યમંત્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.