વડોદરા, તા. ૬

ખાનગી શાળા સંચાલકો દ્વારા ફી નિર્ધારણ સમિતિના આદેશોને અવગણીને ફી વસૂલાતી હોવાના મુદ્દાને લઈને વાલીઓ ફરી એક વખત મેદાને ઉતર્યા છે. સમા સાવલી રોડ પર આવેલી અંબે પબ્લિક સ્કુલ દ્વારા એફઆરસી એ નક્કી કરેલી ફી ની જગ્યાએ સ્કુલ દ્વારા નક્કી કરેલી ફી વસૂલાતી હોવાની અને ઓપ્શનલ એક્ટિવિટીઝ તેમજ બ્રન્ચ મરજિયાત હોવા છતાં તેની ફી વાલીઓ પાસે માંગવામાં આવતી હોવાની ફરિયાદ એફઆરસી સમક્ષ કરવામાં આવી છે. વાલીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, એફઆરસી દ્વારા સ્કૂલની વાર્ષિક ફી ૧૬ હજાર જાહેર કરવામાં આવી હતી. તેમ છતાં ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક વર્ષ માટે સ્કુલ દ્વારા ૪૭,૮૦૦ રૂપિયા ફી માંગવામાં આવી રહી છે. જ્યારે ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક વર્ષ માટે સ્કુલ દ્વારા ૪૮ હજાર રૂપિયા ફી માંગવામાં આવી રહી છે.એફઆરસી દ્વારા ઓપ્શનલ એક્ટિવિટીઝ અને બ્રન્ચ મરજિયાત હોવા છતાં માંગવામાં આવેલ ફી માં તેનો સમાવેશ થતો હોય તે રીતે કોઈ અલગથી સ્પષ્ટતા કરવામાં આવી નથી.