રાજપીપળા, નર્મદા જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે.પોલીસે અને આરોગ્ય વિભાગે અત્યાર સુધી ૧૦ જેટલા બોગસ તબીબોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે રાજપીપળાની પબ્લિક હોસ્પિટલના બોગસ તબીબ વિરુદ્ધ પોલીસે ૩૭ દર્દીના મોતનો ગુનો નોંધતા ખળભળાટ મચ્યો છે.કોરોના કાળ દરમિયાન રાજપીપળા પબ્લિક હોસ્પિટલમાં છેલ્લા ૩ વર્ષથી તબીબ તરીકે કાર્યરત ડો.ભાવેશ કુકડીયાએ ઘણા કોરોના દર્દીઓની સારવાર કરી હતી.દરમિયાન રાજપીપળાના દંપતીએ ડો.ભાવેશ કુકડીયા વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી હતી. ડો.ભાવેશ કુકડીયા વિરુદ્ધ વડોદરાના પાણી ગેટ પોલીસ મથકમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૧ એ પત્નીના કોરોનાના ખોટા રિપોર્ટ કઢાવી ખોટી રીતે ઈન્સ્યોરન્સની રકમ હડપી લેવા અંગેનો ગુન્હો પણ દાખલ થયો હતો. આ તમામની વચ્ચે રાજપીપળા પોલિસની તપાસ દરમિયાન ડો.ભાવેશ કુકડીયાની ડોકટરની ડીગ્રી બોગસ હોવાનું ખુલવા પામ્યું છે. ડો.ભાવેશ ઉર્ફે ભાવિક લાલજી કુકડીયા (રહે.સી/૪૫ વેદાંત રેસીડેન્સી ભારત પેટ્રોલ પંપની પાછળ વડોદરા) મેડિકલ ડિગ્રી તેમજ મેડીકલ પ્રેક્ટિસ કરવા માટેના સર્ટિફિકેટ ખોટા અને બનાવટી હોવા છતાં છેલ્લા ૩ વર્ષો સુધી રાજપીપળા પબ્લિક હોસ્પિટલમાં સેવા આપી ૨૦૦ થી વધુ દર્દીઓની સારવાર કરી તેમના આરોગ્ય સાથે ચેડા કરી સારવાર દરમિયાન ૩૭ દર્દીઓના મોત નિપજાવ્યા હોવાનો ગુનો નોંધાતા ખળભળાટ મચ્યો છે.