રાજપીપળા, રાજપીપળા કોવિડ હોસ્પિટલના એક તબીબ સાથે ૨ પોલિસ અધિકારીઓએ ઉદ્ધત વર્તન કરી જેલની અંદર કરી દેવાની ધમકી આપી હોવાની શરમજનક ઘટના ઘટી હોવાની સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.રાજપીપળાના પોલીસ અધિકારીના સબંધીને ગંભીર હાલતમાં રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં લવાયા હતા.એ સમયે ડોક્ટરો કોરોના દર્દીઓના ચેક અપ માટે રાઉન્ડમાં હતા.દરમિયાન રાજપીપળાના ૨ પોલિસ અધિકારીઓ કોવિડ હોસ્પિટલમાં આવ્યા અને જ્યાં કોરોના સંક્રમણનો વધુ ભય રહે છે એવા હોસ્પિટલના રિસ્ટ્રીકટેડ એરિયામાં પ્રવેશ કર્યો હતો.એ જ સમયે એક તબીબ કોરોના દર્દીઓનું ચેક અપ કરી પોતાની કેબિનમાં આવે છે ત્યારે તેઓ પોલીસ અધિકારીને કહે છે કે તમે કોની પરવાનગીથી રિસ્ટ્રીકટેડ એરિયામાં આવ્યા.દરમિયાન એક પોલિસ અધિકારી તબીબ સાથે ઉદ્ધત વર્તન કરી કહ્યુ કે અમારા દર્દીની જલ્દી ટ્રીટમેન્ટ કરો બાકી અંદર કરી દઈશ.પોલિસ અધિકારીનું આવું ઉદ્ધત વર્તન અને ધમકી છતાં તબીબ પોતાનો તબીબી ધર્મ નિભાવી વહેલી તકે દર્દીને ઓક્સિજન પર લઈ સ્થળ પર જ દર્દીની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે ચૂંટાયેલી પાંખના ભાજપના એક સિનિયર નેતા ત્યાં હાજર હતા.જ્યારે પોલિસ અધિકારીએ તબીબને ધમકી આપી ત્યારે એ નેતાએ પોલિસ અધિકારીને વળતો જવાબ આપ્યો કે ભાઈ તબીબ સાથે ઊંચા અવાજે બિલકુલ વાત નહિ કરવાની, એમણે તમારા દર્દીને સમયસર ટ્રીટમેન્ટ તો આપી દીધી છે.આ ઘટના સંદર્ભે ભાજપના નેતાએ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીને ટેલિફોનિક ફરિયાદ કરતા ઉચ્ચ પોલીસ અધિકારી કોવિડ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.