વડોદરા, તા. ૧૩

યુક્રેન પર આક્રમણના મુદ્દે અમેરિકા અને રશિયાના પ્રમુખ વચ્ચે વાતચિત નિષ્ફળ રહેતા રશિયા ગમે ત્યારે યુક્રેન પર આક્રમણ કરે તેવી ઘડીઓ ગણાઈ રહી છે. જાે રશિયા યુક્રેન પર આક્રમણ કરે તો અમેરિકા સહિતના દેશો પણ તેનો વિરોધ કરશે તેવી અમેરિકાએ ચેતવણી આપી છે અને આવા સંજાેગોને જાેતા વિનાશક યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. જાેકે ભૈાગોલિક દ્રષ્ટીએ નાનો પરંતુ મેડિકલ હબ તરીકે જાણીતા યુક્રેનમાં આવેલી વિવિધ મેડિકલ કોલેજમાં વડોદરાના ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોઈ આ વિદ્યાર્થીઓના પરિવારજનો યુધ્ધની ભીતીના પગલે ચિંતાતુર બન્યા છે. દરમિયાન વિદ્યાર્થીઓ ભારતમાં ગમે તે ભોગ પરત ફરવા માંગતા હોઈ તેઓની ગરજનો લાભ લઈને ખાનગી એરલાઈન્સ દ્વારા યુક્રેન-ઈન્ડિયાની ફ્લાઈટના ભાડામાં પાંચ ગણો વધારો કરી દઈ લુંટફાટ શરૂ કરતા વિદ્યાર્થીઓ અને તેઓના પરિવારજનોની હાલત કફોડી બની છે. રશિયા-યુક્રેન વચ્ચે ગમે ત્યારે યુધ્ધ થાય તેવી ધડીઓ ગણાઈ રહી છે જેના પડધા વડોદરામાં પણ પડ્યા છે. યુક્રેનમાં આશરે ૧૮થી વધુ મેડિકલ કોલેજ આવેલી છે જેમાં ભારતના ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓમાં ગુજરાતના આશરે પાંચથી છ હજાર વિદ્યાર્થીઓ છે જેમાં વડોદરાના ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. યુધ્ધની સંભાવનાના પગલે યુક્રેનમાં મેડિકલ કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું છે અને અત્યારે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ખોરાક, પાણી,વીજળી સહિત અન્ય સુવિધાઓમાં કોઈ કાપ નથી જેથી અત્યારે તો ત્યાં સ્થિતિ સ્થિર છે પરંતું આગામી દિવસોમાં ગમે ત્યારે યુધ્ધ છેડાય તો પરિસ્થિત વિકટ બનશે જેમાં કોઈ બેમત નથી જેના કારણે અત્રે રહેતા પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફેલાયું છે. યુક્રેનમાં એમબીબીએસના ફર્સ્ટ ઈયરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની માતા હેતલબેન મહેતાએ જણાવ્યું હતું કે અત્યારે તો ત્યાં વાતાવરણ સામાન્ય છે પરંતું માધ્યમોમાં સંભવિત યુધ્ધના અહેવાલોના કારણે અમે અત્રે ચિંતાતુર બન્યા છે અને આ અંગે અમે રાજયના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને મળીને અમે અમારા બાળકો સહિસલામત વડોદરા પરત આવે તેવી કેન્દ્ર સરકાર વ્યવસ્થા કરે તેવી રજુઆત કરી છે અને તેઓએ આ અંગે કેન્દ્ર સરકાર અને ઈન્ડિયન એમ્બેસીમાં પણ જાણ કરી છે. યુધ્ધ થાય તો યુક્રેનમાં ફસાઈ જવાની બીકે ભારતીય વિદ્યાર્થીઓ વતનમાં જવા માટે ઉતાવળા બનતા ખાનગી એરલાઈન્સે આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવવામાં કોઈ કસર છોડી નથી. યુક્રેનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના પિતા અરવિંદભાઈ સિંધાએ જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં યુક્રેનથી ઈન્ડિયાની ફ્લાઈટનું ૨૨થી ૨૫ હજાર ભાડુ હોય છે પરંતું હાલમાં યુધ્ધની સંભાવનાના પગલે ભાડામાં પાંચ ગણો વધારો કર્યો છે અને યુક્રેન-ઈન્ડિયાની ફલાઈટનું લાખ રૂપિયાથી વધુ ભાડુ લઈ લુંટફાટ શરૂ કરી દીધી છે જેના કારણે વિદ્યાર્થીઓ અને પરિવારજનોની હાલક કફોડી બની છે અને કેન્દ્ર સરકાર આ લુંટફાટ બંધ કરાવે તેવી પણ અમારી માગણી છે.

યુક્રેનમાં માત્ર ૨૫થી ૩૦ લાખ ખર્ચ થતો હોઈ મેડિકલ હબ બન્યુ છે

ભારતમાં ખાનગી કોલેજાેમાં પેમેન્ટ સીટ પર પ્રવેશ લઈ પાંચ વર્ષના એમબીબીએસનો અભ્યાસ કરવા માટે આશરે એક કરોડથી વધુનો ખર્ચો થાય છે જયારે યુક્રેન અને રશિયાની ખાનગી કોલેજાેમાં એમબીબીએસનો પાંચ વર્ષનો ૨૨થી ૨૫ લાખનો ખર્ચો થાય છે. ખર્ચની રકમમાં મોટો ફેરફાર હોઈ યુક્રેન-રશિયામાં એમબીબીએસના અભ્યાસ માટે જનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થયો છે અને તેના કારણે નાનકડા યુક્રેન દેશમાં જ ૧૮થી વધુ મેડિકલ કોલેજ હોઈ તે મેડિકલ હબ તરીકે જાણીતું બન્યુ છે.

ઈન્ડિયન એમ્બેસી વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં છે

વડોદરાના વિદ્યાર્થીઅના વાલીઓએ જણાવ્યું હતું કે યુધ્ધની પરિસ્થિતિમાં યુક્રેનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ના થાયે અને તેઓ તમામ સહિસલામત ઈન્ડિયામાં પરત ફરે તેના આયોજન માટે કેન્દ્ર સરકારે તજવીજ શરૂ કરી દીધી છે અને ઈન્ડિયન એમ્બેસી પણ તમામ વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં છે તેવી અમને જાણકારી અપાઈ છે. આ ઉપરાંત યુક્રેનમાં જ ઈન્ડિયન સ્ટુડન્ટ સોસાયટી પણ કાર્યરત છે જે ભારતીય એમ્બેસી અને કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં હોઈ તે સેતુરૂપ બની વિદ્યાર્થીઓને જરૂરી જાણકારી સાથે સતત માર્ગદર્શન આપી મદદ કરી રહી છે.