17, જુલાઈ 2021
વડોદરા-
દેશભરમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે ગુજરાતમાં પેટ્રોલની કિંમત 100ને પાર પહોંચતા વડોદરા કોંગ્રેસ દ્વારા સાયકલ યાત્રા યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ જોડાયા હતા. જોકે, પોલીસે પ્રદેશ પ્રમુખ સહિત કુલ 20 કાર્યકર્તાઓની અટકાયત કરતા ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં શહેર-જિલ્લાના અગ્રણીઓ જેવા કે, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષના નેતા અમી રાવત, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ચિરાગ ઝવેરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ તેમજ કોર્પોરેટરો પોતપોતાની કારમાં સાયકલ યાત્રાના સ્થળ સુધી પહોંચ્યા હતા. જ્યારબાદ કારમાંથી ઉતરીને તરત જ સાયકલ યાત્રામાં જોડાતા રાહદારીઓમાં કૂતુહલતાના દ્રશ્યો સર્જાયા હતા. એક તરફ કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે આ સાયકલ યાત્રામાં સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રાવપુરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને વિરોધકર્તાઓની અટકાયત કરતા કોંગી અગ્રણીઓ અને પોલીસ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, પોલીસે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ સહિત કુલ 20 કોંગી અગ્રણીઓની અટકાયત કરી હતી.