અમદાવાદ, ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા પત્રકાર પરિષદનું સંબોધન કરવામાં આવ્યું હતું. તેમણે પોતાનાં ભાષણ દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત તેમણે ભાજપનું નવુ સુત્ર પણ લોન્ચ કર્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને તેમણે ભાજપનું નવું સૂત્ર લોન્ચ કર્યું. ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ આ સુત્ર લોન્ચ કર્યું હતું.

તેમણે કહ્યું કે, કોંગ્રેસને ભાજપ સામે વાંધો નથી પરંતુ વિકાસ સામે વાંધો છે. ભાજપ દ્વારા જેટલા પ્રોજેક્ટ કે કાયદા લવાયા તે તમામનો કોંગ્રેસે આંખો બંધ કરીને વિરોધ કર્યો છે. પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા રામ મંદિર, નર્મદા યોજના, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત મોટા ભાગનાં પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટીને તો તેમણે લોખંડનો ભંગાર ગણાવીને વિરોધ કર્યો હતો. આ માત્ર સરદાર સાહેબ જ નહી પરંતુ સમગ્ર ગુજરાતનું અપમાન હતું. એસવીપી હોસ્પિટલ, બીઆરટીએસ, સાબરમતી રિવર ફ્રન્ટ, સુજલાફ સુફલામનો પણ વિરોધ કર્યો. આજે આ તમામ પ્રોજેક્ટ ન માત્ર સફળ છે પરંતુ તેના પરથી અનેક રાજ્યો અને બીજા દેશો પ્રેરણા પણ મેળવી રહ્યા છે. કોંગ્રેસ ભાજપ વિરોધી નહી પરંતુ વિકાસ વિરોધી છે. ત્યાંનું શિર્ષ નેતૃત્વ જે કાંઇ પણ કહે તેનું આંધળુ અનુકરણ કરવામાં આવે છે. એટલે સુધી કે કોંગ્રેસ દ્વારા સેનાના જવાનો, રાષ્ટ્રીય નીતિઓનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. આ વિકાસ વિરોધી પાર્ટીની વિરુદ્ધ ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ. એટલે જ ગુજરાતનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો છે.

ચૂંટણીપંચે ૩૦૩ પેજનો જવાબ રજૂ કર્યો આજે વધુ સુનાવણી

ગાંધીનગર, રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી એકજ તારીખે રાખવાની માંગની અરજી કરવામાં આવી હતી, આ અરજીમાં ચૂંટણી પંચે પોતાનો જવાબ રજુ કર્યો છે. આ અંગે ચૂંટણીપંચે ૩૦૩ પેજનું સોંગદનામું કર્યું છે. ચૂંટણીપંચના જાેઇન્ટ કમિશનર એ.એ. રામાનુજે સોગંદનામું કર્યું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરીની એક તારીખ અંગે રાજ્યના ચૂંટણી પંચે હાઈકોર્ટમાં ૩૦૩ પાનાનું સોગંદનામું કર્યું છે. જેમા અરજદારની અરજી ટકવા પાત્ર ન હોવાની રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત ભૂતકાળમાં પણ મનપા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ અલગ-અલગ તારીખે યોજાઈ હોવાની રજૂઆત કરાઈ છે. ગ્રામીણ વિસ્તારના મતદાર અને શહેરી વિસ્તારના મતદાર ના પ્રશ્નો પણ અલગ અલગ છે, ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ મત ગણતરી અલગ અલગ તારીખો કરવાથી મતદાર પ્રભાવિત થશે તે માત્ર અરજદારોની સોંગદનામામાં કહેવામાં આવ્યુ કે, મતગણતરી અલગ અલગ દિવસે થાય તેમાં અરજદારનો કોઈ બંધારણીય અધિકાર છીનવાતો નથી. ચૂંટણી પંચે કહ્યુ કે, અરજદારોએ પોતાના રાજકીય હેતુ માટે આ અરજી કરી હોઈ શકે છે. ત્યારે આ મામલે વધુ સુનાવણી મંગળવારે હાથ ધરાશે.