ગાંધીનગર, વન રક્ષકની ભરતી અંગે વિધાનસભા ગૃહમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. એટલું જ નહિ, કોંગ્રેસ પક્ષના સભ્યો ગૃહની વેલમાં ધસી આવતા તેમને ટીંગાટોળી કરીને ગૃહની બહાર મોકલવામાં આવ્યા હતા. તેમ છતાં ગૃહમાં હોબાળો ચાલુ રહેતા વિધાનસભા અધ્યક્ષ દ્વારા ૧૫ મિનિટ માટે ગૃહને મોકૂફ રાખવામાં આવ્યું હતું.પ્રશ્નોત્તરી સમય બાદ કોંગ્રેસના સભ્યો દ્વારા વન રક્ષક ભરતી પરીક્ષાના પેપર લીક પ્રશ્ને ચર્ચા કરવા માટે અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ દ્વારા પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કરાયો હતો. તેમણે ગૃહમાં રજૂઆત કરી હતી કે, ગઈકાલે વનરક્ષકની ભરતી પ્રક્રિયાની પરીક્ષામાં જે ગેરરીતિ થઈ છે તેની ગૃહમાં ચર્ચા કરવામાં આવે. કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશના આ પોઈન્ટ ઓફ ઓર્ડરને વિધાનસભા અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્ય દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો. સાથે અધ્યક્ષે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પૂંજાભાઈ તમારે આની અલગથી ચર્ચા કરવા માટે નિયમ ૧૧૬ની નોટિસ આપવી પડે તો જ વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા શક્ય બનશે. જેના કારણે કોંગ્રેસના સભ્યો દ્વારા વિધાનસભા ગૃહમાં ભારે હંગામો મચાવવામાં આવ્યો હતો. આ સાર્થ કોંગ્રેસના સભ્યો દ્વારા ગૃહમાં પોતાની જગ્યાઓ છોડીને વેલ તરફ ધસી આવ્યા હતા. સાથોસાથ ‘પેપર ફોડ ભાજપ સરકાર નહીં ચલગી, નહીં ચલેગી’ના સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતાં. તો કેટલાક ધારાસભ્યો દ્વારા ગૃહમાં સરકાર વિરોધી સૂત્રો સાથેના પ્લેકાર્ડ દર્શાવવામાં આવ્યા હતા. પેપર લીક મામલે વિધાનસભા ગૃહમાં ભારે હંગામા અને દેકારા વચ્ચે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ગૃહની વેલમાં ધસી આવ્યા હતા. જેના પરિણામે, વિધાનસભા અધ્યક્ષ દ્વારા આ સભ્યોને સન્માનપૂર્વક ગૃહની બહાર લઈ જવાની સૂચના સાર્જન્ટસને આપવામાં આવી હતી. જેના કારણે વેલમાં ધસી આવેલા પૈકીના ગૃહમાં નીચે બેસી ગયેલા આઠથી દસ ધારાસભ્યોને ટીંગાટોળી કરીને સાર્જન્ટ દ્વારા વિધાનસભા ગૃહની બહાર લઇ જવામાં આવ્યા હતા. આમ છતાં ગૃહમાં કોંગ્રેસનો હોબાળો શાંત નહીં થતાં વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ ગૃહની કાર્યવાહીને ૧૫ મિનિટ સુધી મુલતવી રાખવાનો આદેશ કરીને ગૃહને મુલતવી રાખવામાં આવ્યું હતું.

ઈતિહાસમાં પહેલીવાર વિધાનસભા પરિસરમાં પૂતળા દહન

ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગરમાં યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરાયું હતું. જાે કે પોલીસ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી ન હતી. જેથી યુવક કોંગ્રેસના કાર્યકરો દ્વારા અલગ અલગ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે યુવક કોંગ્રેસના કાર્યકરો દ્વારા સચિવાલય સંકુલમાં વિધાનસભા બિલ્ડિંગના પગથિયા પાસે યુવક કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, યુવક કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિધાનસભાના પગથિયાં પાસે ભાજપના પૂતળાનું દહન કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સંમેલનની મંજૂરી ન મળતાં કોંગ્રેસ કાર્યકરો - પોલીસ વચ્ચે ઘર્ષણ

ગાંધીનગર, ગાંધીનગરમાં એક તરફ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે બીજી તરફ ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા પ્રદેશ યુવક પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાના નેજા હેઠળ આજે ‘યુવા સ્વાભિમાન સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. જાે કે, જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ‘યુવા સ્વાભિમાન સંમેલનની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમ છતાં યુવક કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આ સંમેલનનું આયોજન કરાયું હતું. જેના કારણે ગાંધીનગર પોલીસ અને યુવક કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેને લઇને પોલીસ દ્વારા ૭૦ થી વધુ યુવક કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. આ ‘યુવા સ્વાભિમાન સંમેલન’માં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. વી. શ્રીનિવાસ પણ હાજર હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને ઘેરવાની એક પણ તક છોડવામાં આવી રહી નથી. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ખેડૂતો દ્વારા વીજળીના મુદ્દે ગાંધીનગર ખાતે દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. એક જ દિવસમાં આદિવાસીઓ અને ખેડૂતો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાનમાં ગઈકાલે વન રક્ષકની ભરતી પરીક્ષામાં પેપર લીક થવાનો મામલો સામે આવ્યો હતો. જેને લઈને વિપક્ષને સરકારને ઘેરવા માટેની વધુ એક તક મળી ગઈ છે. ત્યારે રાજ્યમાં બેરોજગારી, પેપર લીક જેવી સમસ્યાઓને લઈને યુવક કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ‘યુવા સ્વાભિમાન સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. જાે કે ગાંધીનગર પોલીસ દ્વારા યુવક કોંગ્રેસના આ ‘યુવા સ્વાભિમાન સંમેલન’ને યોજવા માટેની મંજૂરી આપવામાં આવી ન હતી.