મુંબઈ-

જાતિય હુમલાઓ સામે બાળકોનું રક્ષણ કરવા અંગેના કાનૂન પોક્સો અંતર્ગત 19 વર્ષના દોષીને જામીન મંજૂર કરતાં મુંબઈ હાઈકોર્ટે કહ્યું હતું કે, બે સગીરો વચ્ચેનો સંમતિથી થયેલો જાતિય સંબંધ એ એક અસ્પષ્ટ બાબત હોય છે, કેમ કે, તેમના દ્વારા અપાયેલી સંમતિને કાનૂની નજરે માન્ય ગણાતી નથી. 

એક જ ઘરમાં પોતાની સાથે રહેતી 15 વર્ષીય પિતરાઈ બહેન પર વારંવાર બળાત્કાર કરવાના આરોપસર જેની ધરપકડ કરાઈ હતી એવા, એક 19 વર્ષના આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા અપાઈ હતી એ બાબતે કોર્ટ ચૂકાદો આપી રહી હતી.

આ છોકરાને બળાત્કાર અને બળજબરીથી સમાગમ કરવાના આરોપસર દસ વર્ષની સખ્ત કેદની સજા કરાઈ હતી, જેને તેણે કોર્ટમાં પડકારી હતી. આ અપરાધ વર્ષ 2017ના સપ્ટેમ્બર માસમાં પહેલીવાર થયો હોવાનું જણાવાયું હતું. આ સગીરાની એક બહેનપણી દ્વારા વર્ગશિક્ષિકાને આ બાબતની જાણ થતાં માર્ચ 2018માં આ બાબતે પોલીસ ફરીયાદ નોંધાવાઈ હતી. સગીરાએ આરોપ મૂક્યો હતો કે, ત્યારબાદ તેના પર આરોપીએ ફરીથી ઓક્ટોબર 2017 તેમજ ફેબ્રુઆરી 2018માં જાતિય હુમલો કર્યો હતો. કેસની ટ્રાયલ દરમિયાન છોકરાને જામીન પર છોડાયો હતો.