અમદાવાદ-

રાજય ભાજપના ઉપપ્રમુખ અને ગૃહ ખાતાના પુર્વ રાજય પ્રધાન ગોરધન ઝડફીયાની હત્યાના કાવતરા સંબંધમાં ગુજરાત એટીએસએ મુંબઈના ત્રણ મહારાષ્ટ્રના અકોલા અને ઔરંગાબાદમાંથી એક-એક અને કર્ણાટકમાંથી એક એક કુલ પાંચ ઈસમની અટકાયત કરી છે. એટીએસએ સમર્થન આપ્યું છે એ મુજબ ભારતીય પણ હવે પાકિસ્તાનમાં રહેતા મોહમ્મદ સલીમ ઉર્ફે મુન્ના ઝિંગાડા, પાકીસ્તાનના હાજી શબ્બીર અને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના જમણા હાથ છોટા શકીલે ઝડફીયા અને અન્ય રાજકીય નેતાઓનું કાવતરું ઘડયું હતું.

એટીએસ સૂત્રોએ જણાવ્યું હતું કે શકીલે ઝિંગાડાને ઝડફીયા અને અન્ય નેતાઓનું કાસળ કાઢી નાખવા જણાવ્યું હતું. ઝીંગાડા પાકીસ્તાનમાં સઈદ મુઝફફીર મુદલર હસન તરીકે પણ જાણીતો છે. સપ્ટેમ્બર 2020માં બેંગકોકમાં હરીફ ગેંગસ્ટર છોટા રાજનને ઢાળી દેવા પ્રયાસ કરનારા છોટા શકીલની ગેંગનો પણ તે સભ્ય હતો.. જો કે રાજન બચી ગયો હતો અને એ પછી તેની ઈન્ડોનેશીયાના વાલીની ધરપકડ થઈ હતી, હાલમાં તે ભારતની કસ્ટડીમાં છે. 

એટીએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઝડફીયાનો કાંટો કાઢી નાંખવા પસંદ કરાયેલા બે શાર્પશુટરોના હેન્ડલર તરીકે કામ કરનારા હાજી શબ્બીરનો ઝિંગાડાએ સંપર્ક કર્યો હતો. ઝડપાયેલા પાંચ ઈસમોમાંથી એકે શુટરોને હથિયારો પુરા પાડયા હતા. મુંબઈથી ઝડપાયેલો વધુ એક ઈસમ પણ ગુજરાત એટીએસ કબ્જામાં છે. તેણે મુંબઈથી અમદાવાદ આવવા લકઝરી બસની ટિકીટ બુક કરાવી હતી. 

ગુજરાત એટીએસએ અટકમાં લેવાયેલા પાંચ ઈસમની ઓળખ જાહેર કરી નથી. એમાંના ત્રણ હાજી શબ્બીરના ટચમાં હતા. વાતચીત ગુપ્ત રાખવા તેમણે ઓટીપીવાળા વર્ચ્યુલ નંબરનો ઉપયોગ કર્યો હતો. તે તેમના મેસેજીસ અન્ય સિમકાર્ડથી ટ્રાન્સફર કરતા હતા અને એથી વાતચીત અને લોકેશન આંતરવાનું સુરક્ષા એજન્સીઓ માટે મુશ્કેલ બન્યું હતું. 

એટીએસના ડીએસપી કે.કે.પટેલે જણાવ્યું હતું કે તેમને રાજકીય નેતાને ટપકાવી દેવા શહેરમાં આવેલા બે શાર્પશુટરો બાબતે 15 ઓગષ્ટે કેન્દ્રીય એજન્સીઓ તરફથી બાતમી મળી હતી, એના આધારે એટીએસન ટીમે અમદાવાદની હોટેલ વીનસ પર દરોડો પાડયો હતો. એટીએસ ટીમ પર ગોળીબાર કરનાર ઈરફાન શેફ ઉર્ફે ચેમ્બુરના કાલિયાની ધરપકડ કરવામાં આવી હતી. બીજો ઈસમ સલમાન ફરાર છે. 

દરમિયાન, એટીએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અટકાયત કરાયેલા પાંચ પૈકી એક ઈસમ પાકીસ્તાનના હાજી શબ્બીરને દુબઈમાં મળ્યો હતો. શબ્બીરે તેને વધુ એક કામ સોંપ્યું હતું. એ કામ વિષે તેની પુછપરછ ચાલી રહી છે. આ બન્ને શુટરો શબ્બીર સામે સંપર્કમાં હતા. તે મેસેજીસ દ્વારા સૂચના આપતો હતો અને ઝડફીયા તથા ભાજપ વડામથક કમલમના ફોટા પણ મોકલ્યા હતા.