21, જુન 2021
વડોદરા-
ગુજરાતના રાજ્યવિકાસ મંત્રી યોગેશ પટેલ એવું કહ્યું કે જેને રસી મૂકાવી હોય તેનેજ મફત અનાજ આપવું જોઈએ. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે આ મામલે તેઓ મુખ્યમંત્રીને વાત કરશે. યોગેશ પટેલે કહ્યું કે સમગ્ર મામલે એક યોજના ઘડવી જોઈએ. પરંતું તેમના આ વિવાદસ્પદ નિવેદનને કારણે લોકોમાં હવે રોષનો માહોલ ફેલાયેલો છે.
એક તરફ લોકોનો કોવેક્સિન રસીનો બીજો ડોઝ અટવાઇ ગયો છે, ત્યારે મંત્રી આવા વિવાદિત નિવેદનથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા સહિત દેશભરમાં કોવિડ-19 રસીકરણ મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, તેવા સમયે રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. મંત્રી યોગેશ પટેલે કહ્યું કે, આજે હું નવા કલેક્ટરને કહેવાનો છું કે, આપણે કંઇક એક નવી યોજના ઘડીએ. હું મુખ્યમંત્રીને કહેવાનો છું. આપણે ભારત સરકાર દ્વારા દિવાળી સુધીને મફત અનાજ આપવાનું છે. તો અનાજ એને જ આપવું જોઇએ જેને રસી મૂકાવી હોય. એવું આજે જ હું વાત કરવાનો છું. મુખ્યમંત્રીને વાત કરવાનો છું. વડોદરામાં કોરોનાની બીજી ઘાતક વેવમાં શહેરવાસીઓએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. માંડ શહેર કોરોનાની બીજી વેવમાંથી બહાર આવી રહ્યો છે. ત્યારે રાજ્યના મંત્રી યોગેશ.પટેલ દ્વારા આપવામાં આવેલા વિવાદિત નિવેદને ભારે ચર્ચા જગાવી છે.