અમદાવાદ-

અમદાવાદમાં એકબાજુ કોરોનાની સ્થિતિ બગડી રહી છે. અને સો.મીડિયામાં સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી લાંબી લાઈનોનાં વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. તો બીજી બાજુ હોસ્પિટલો પણ કોરોનાનાં દર્દીઓથી ઉભરાઈ રહી છે. અને હવે કદાચ એવી પરિસ્થિતિ આવી શકે છે હોસ્પિટલો હાઉસફૂલ પણ થઈ જાય. તેવામાં કોરોનાની વકરતી સ્થિતિને જાેતાં એએમસીએ ખાનગી હોસ્પિટલને ૫૦ ટકા બેડ રિઝર્વ રાખવા માટે આદેશ કર્યો છે.

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે છે. અમદાવાદમાં હવે દૈનિક ૮૦૦થી પણ વધારે કોરોનાનાં કેસો નોંધાઈ રહ્યા છે. જેને કારણે અમદાવાદમાં હોસ્પિટલો હાઉસફૂલ થવા જઈ રહી છે. ખાનગી હોસ્પિટલો ભરાઈ પણ ચૂકી છે. તેવામાં આગામી સમયમાં વધતાં જતાં કોરોના સંક્રમણને ધ્યાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલોને ૫૦ ટકા બેડ રિઝર્વ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

ખાનગી હોસ્પિટલોને હવે ૫૦ ટકા બેડ કોવિડ દર્દીઓ માટે રિઝર્વ રાખવા પડશે. આ ઉપરાંતના ૫૦ ટકા બેડ હોસ્પિટલ પોતાના ઉપયોગ માટે લઈ શકશે. એએમસીના આ ર્નિણયને કારણે ૧૮ હોસ્પિટલમાં ૧૨૧૯ બેડનો ફાયદો થશે. પણ આ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સ્વખર્ચે સારવાર લેવી પડશે.