13, એપ્રીલ 2021
દિલ્હી-
ભારતમાં કોરોનાનો કહેર જારી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧ લાખ ૬૧ હજાર ૭૩૬ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ૮૭૯ લોકોના સંક્રમણથી મોત થયા છે. ભારતમાં ૧૬ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી કેસ સતત વધી રહ્યાં છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં ૨૪ કલાકમાં સામે આવેલા નવા કેસ અને સંક્રમણથી મોત સૌથી વધુ છે. એક્ટિવ કેસ પણ આ ત્રણ રાજ્યોમાં સૌથી વધુ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડા પ્રમાણે ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧ કરોડ ૩૬ લાખ ૮૯ હજાર ૪૫૩ થઈ ગઈ છે. જેમાં ૧ લાખ ૭૧ હજાર ૫૮ લોકોના મૃત્યુ થયા છે. તો દેશમાં એક્ટિવ કેસ વધીને ૧૨ લાખ ૬૪ હજાર ૬૯૮ થઈ ગયા છે, જે કુલ સંક્રમિતોના ૯.૨૪ ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં ૧૬ રાજ્યો એવા છે, જ્યાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ રાજ્યો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, દિલ્હી, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, કેરલ, તેલંગણા, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ છે.
તો છેલ્લા ૨૪ કલાકમાં સામે આવેલા નવા મામલામાં ૮૧ ટકા કેસ દસ રાજ્યોમાંથી આવ્યા છે. સૌથી વધુ ૫૧,૭૫૧ નવા કેસ મહારાષ્ટ્રથી આવ્યા છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં ૧૩૬૦૪, છત્તીસગઢમાં ૧૩૫૭૬, દિલ્હીમાં ૧૧૪૯૧, કર્ણાટકમાં ૯૫૭૯, તમિલનાડુમાં ૬૭૧૧, મધ્ય પ્રદેશમાં ૬૪૮૯, ગુજરાતમાં ૬૦૨૧, રાજસ્થાનમાં ૫૭૭૧ અને કેરલમાં ૫૬૯૨ નવા કેસ નોંધાયા છે. આ રીતે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણથી મોતના ૮૮ ટકા મામલા ૧૦ રાજ્યોમાં છે. સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થયા છે. અહીં કોરોનાએ ૨૫૮ લોકોના જીવ લીધા છે. તો છત્તીસગઢમાં ૧૩૨, યૂપીમાં ૭૨, દિલ્હીમાં ૭૨, ગુજરાતમાં ૫૫, કર્ણાટકમાં ૫૨, પંજાબમાં ૫૨, મધ્ય પ્રદેશમાં ૩૭, રાજસ્થાનમાં ૨૫ અને તમિલનાડુમાં ૧૯ લોકોના મૃત્યુ થયા છે.
ભારતમાં કુલ એક્ટિવ કેસ ૧૨ લાખ ૬૪ હજાર ૬૯૮માંથી ૬૯ ટકા માત્ર પાંચ રાજ્યોમાં છે. આ રાજ્ય છે- મહારાષ્ટ્ર, છત્તીસગઢ, યૂપી, કર્ણાટક અને કેરલ. મહારાષ્ટ્રમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. અહીં દેશના કુલ એક્ટિવ કેસના ૪૪.૭૮% છે, છત્તીસગઢમાં ૭.૮૨, યૂપીમાં ૬.૪૫, કર્ણાટકમાં ૬.૦૧ અને કેરલમાં ૩.૭૯ ટકા એક્ટિવ કેસ છે. જ્યારે ૩૧.૧૫ ટકા એક્ટિવ કેસ ભારતના બીજા રાજ્યોમાં છે.