પ્રદેશ BJP કાર્યાલયમાં કોરોનાની દસ્તક: મંત્રીઓ હવે વેબ કેમેરાથી રજૂઆતો સાંભળશે
08, સપ્ટેમ્બર 2020

ગાંધીનગર-

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની નવી વ્યવસ્થા મુજબ સોમ અને મંગળવારના રોજ પ્રદેશના વડા મથક કમલમમાં રાજ્ય સરકારના બે મંત્રીઓ ભાજપના કાર્યકર્તાઓ અને આમ આદમીના પ્રશ્નો સાંભળીને તેમનો ઉકેલ લાવવા માટે સક્રિય બનશે તેવા સેટઅપને કોરોનાએ હાલ ધક્કો મારી દીધો છે અને હવે જે રીતે કમલમમાં પક્ષના કાર્યકર્તાઓ તથા કર્મચારીઓમાં પાંચ લોકો કોરોના પોઝીટીવ જાહેર થતાં મંત્રીઓ કે પક્ષના અન્ય અગ્રણીઓ સાથે રુબરુ મીટીંગને બદલે વેબ કેમેરા મારફત રજૂઆતને સાંભળવામાં આવશે.

કાર્યાલયમાં થર્મલ ચેકીંગ અને અન્ય તબીબી ચેકીંગ બાદ કાર્યકર્તાઓને પ્રવેશ આપવામાં આવશે. જોકે મંત્રીઓ તેમની ચેમ્બરમાં જ વેબ કોન્ફરન્સીંગથી કાર્યકર્તાઓ સાથે જોડાઈ રહેશે. મહેસુલ મંત્રી કૌશિક પટેલે વીડિયો કોન્ફરન્સ મારફત 20 કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. બીજી તરફ ભાજપે કમલમના તમામ કર્મચારીઓ તથા ભાજપના અગ્રણીઓનું કોરોના ટેસ્ટીંગ કરાવવા નિર્ણય લીધો છે.

પાટણની મુલાકાત દરમિયાન પાટિલ સાથે ભરત પંડ્યા પણ ગયા હતા અને આ કાર્યક્રમ બાદ ભરત પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમને જણાવી દઈએ કે કોરોનાનું સંકટ હોવા છતા સી.આર. પાટીલના કાર્યક્રમ યોજાયા હતા. અને સૌરાષ્ટ્ર મુલાકાત બાદ પણ અનેક નેતાઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા ઉપરાંત પ્રદેશ કાર્યાલય કમલમના પ્રદેશ કાર્યલાયના મંત્રી પરેશ પટેલ, મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, સફાઈકર્મીઓને લાવનાર ડ્રાઈવર, 2 સફાઈકર્મી કોરોના પોઝિટિવ આવ્યા છે. કમલમમાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા કાર્યાલયની ઓફીસ બહાર રીબીનવાળા બેરિકેડ લગાવવામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution